66 - ઉનાળે / હર્ષ બ્રહ્મભટ્ટ


યાદ ખીલી ગઈ ઓર ઉનાળે,
ગરમાળો – ગુલમ્હોર ઉનાળે.

પવન-પાંદડું કશું ના ફરકે,
મૂંગાં જળ – કલશોર ઉનાળે.

સુખ બાવળના છાંયે બેઠું,
મન તો મૂંગું ઢોર ઉનાળે.

કોઈ રાહ સપનામાં જોતું,
લાગ્યું ઠંડે પ્હોર ઉનાળે.

બધાય શોધે ક્યાંક આશરો,
લૂના તીણા ન્હોર ઉનાળે.

ઘટમાં ઘોડા ગજબ થનગને,
તડકાનો કૈં તોર ઉનાળે.


0 comments


Leave comment