67 - હોય છે આરંભમાં ગાતા સંબંધો / હર્ષ બ્રહ્મભટ્ટ
હોય છે આરંભમાં ગાતા સંબંધો,
આખરે ડૂસકાં બની જાતા સંબંધો.
થાય જર્જર રંગ ઊડી જાય પ્હેલાં,
વસ્ત્રની પેઠે સારી જાતા સંબંધો.
એકલા પુષ્કળ પડો, ઘૂંટાવ ભીતર,
આભ જેવા મુક્ત સમજાતા સંબંધો.
એક પળમાં જાય બંધાઈ અચાનક,
ના પછી ક્યારેય ભુલાતા સંબંધો.
‘હર્ષ’ જોયા છે ગજબના ભાવ મેં પણ,
કલ્પનાની બ્હાર વેચાતા સંબંધો.
0 comments
Leave comment