1.4 - લોકગીતોમાં પંખીસૃષ્ટિનું ભાવપૂર્ણ નિરૂપણ / કોયલ બેઠી આંબલિયાની ડાળ / બળવંત જાની


    ગુજરાતના લોકગીતોમાં પુરુષ-સ્ત્રીના સંદર્ભે મોર-ઢેલ, સૂડલો-કોયલ, પોપટ-પોપટી જેવા નિરૂપણો થયેલા ખૂબ જોવા મળે છે. એ દ્વારા નારી વ્યક્તિત્વ સાથે ભળેલા નૃત્યપરાયણતા, સુંદરતા-મધુર અવાજ ઈત્યાદિને અભિવ્યક્તિ સાંપડી છે. સાથે-સાથે નારીની કોમળતા અને મુગ્ધતા વ્યક્તિને પણ વાચા મળે છે. પુરુષ-સ્ત્રી પ્રકૃતિના પરિચાયક આ બધા ઉલ્લેખો – ઉદાહરણો માત્ર વર્ણનો રૂપે પ્રયોજાયેલાં છે એવું નથી –
‘બોલે ઝીણા મોર લીલી નાઘેરમાં,
લીલી નાઘેરમાં લીલી વનરાઈમાં.’
    અહીં ઢેલનો સંદર્ભ ગોપિત રાખીને મોરના ટહુકારથી એને મળવા એના અસ્તિત્વની અને ઉપસ્થિતિની ઓળખ થતાં પ્રગટેલા આનંદોદ્ગાર રૂપી આ પંક્તિઓ છે – બીજા એક લગ્નગીત-લોકગીતમાં
‘વરરાજા તે દેરા માહ્યલો દેવ, ને પોતે દેરાસુર પુતળી,
વરરાજા તે અષાઢીલો મેઘ, ને પોતે ઝબૂકણ વીજળી,
વરરાજા તે ચંપાનો છોડવો, ને પોતે ચંપાફૂલની પાંખડી,
વરરાજા તે વાડી માયલો મોરલો, ને પોતે ખેલામણ ઢેલડી.’
    અહીં નારી માટે ખેલામણ વિશેષણ કેવું સહજ, સરળભાવે પ્રયોજાઈ ગયું છે. ઢેલડી-નારી અને મોરના દંપતી પ્રતિક ભારે હૃદયસ્પર્શી છે. લોકગીતમાં નારી માટે કેવા કોમળ-સુંદર વિશેષણ વર્ણનરૂપે ગોઠવાયા છે. પુતળી, વીજળી, ફૂલપાંખડી અને છેલ્લે ઢેલડીમાં તો પરાકોટિ છે.

    બીજા એક દોહરામાં –
‘કાઠીયાણી કૈડય પાતળી, હલકતી માથે હેલ્થ,
બરડા કેરી બજારમાં, જાણે ઢળકતી ચાલ્યે ઢેલ્ય.’
    અહીં સુંદર સ્ત્રી માટે લચકાતી-મચકાતી ચાલે ચાલતી ઢેલનું મનોહર ચિત્ર ઉપસે છે. મોર-ઢેલની માફક પોપટ-પોપટી પણ યુગલભાવનાના વ્યંજક તરીકે અનેક લોકગીતમાં દૃષ્ટિગોચર થાય છે. તેમાંથી નારીની પોપટી જેવી નાજુકતા ઉપરાંત ગળાની મીઠાશ અને ગભરુ પ્રકૃતિ પણ પ્રગટે છે, ‘એક આવ્યો’તો પરદેશી પોપટો’ માં પુરુષ માટે પોપટનું નામ મૂકીને કન્યા માટે પોપટી અધ્યાહાર રાખીને ગોપનનો મહિમા કર્યો છે. પોપટીની પ્રકૃતિને પણ અભિવ્યક્તિ સાંપડી છે.

    નારી વર્ણન માટે પંખી ઉપરાંત ચિરપરિચિત જનાવરોમાં સર્પણ-નાગણના પ્રયોજાયેલ વિશેષણ રૂપ ઉલ્લેખો પણ અનેક લોકગીતોમાંથી પ્રાપ્ત થયા છે.
‘તારા વાંસાનો વળાકો રે, જાણે સરપનો સળાકો રે.’
    આ પંક્તિમાંથી વાંસાના મધ્યભાગના વળાંકને મૂર્તરૂપે પ્રસ્તુત કરવા માટે સર્પના રમણીય વળાંકવાળા સળાકાની ઉપમા આપી છે.

    ઢોલા-મારુના કથાનકના સંદર્ભમાં એક દુહામાં જે વર્ણન છે એની તાજગી જુઓ –
‘મારુ નાઈ ગંગાજળે, ઊભી વેણ સુકાય,
ચંદન કેરે વરખડે, નાગણ ઝપાટા ખાય.’
    ગંગાજળથી સ્નાન કરીને ભીની થયેલ કેશરાશિને સુકવી રહેલ મારુ, ચંદનવૃક્ષને વીંટળાઈને સેલારા દેતી નાગણ જેવી લાગે છે. મારુના દેહતે પિત્તવર્ણા સુગંધી ચંદનવૃક્ષ સાથે સરખાવી પણ એને વીંટળાઈ વળેલ કાળી નાગણ દ્વારા જેમ એનું રૂપ વિશેષ દર્શનીય બની રહ્યું એમ ભારે સુંદર રીતે આ સદ્યસ્નાતા મારુના સૌન્દર્યને વર્ણવેલ છે.

   બીજા એક દુહામાં પણ –
‘કુંવરી કાળી નાગણી, સંકેલી નખમાં સમાય,
એનું કરડ્યું ડગ નો ચાતરે, કુંવરી ચાભાડ્ય કહેવાય.’
    કાળી નાગણની જેમ ઘડીભરમાં સંકોડાઈ જાય એવી ચાભાડય કુટુંબની કુંવરી ડસે તો પછી એક ડગલુંય ભરી ન શકાય. નમણી, રૂપવતી, મોહક, ચળકતી, લીસી-કુમળી કુમાશવાળી નારી માટે અહીં પ્રયોજાયેલું નાગણ-સર્પણ વિશેષણ ભારે અર્થપૂર્ણ છે. એ માત્ર રૂપનું જ વ્યંજક નથી. એમાં રહેલું ઝેર, એમાં રહેલું મોહિત કરવાનું, દૃષ્ટિક્ષેપરૂપી ડંખ દ્વારા મૂર્છિત કરી દેવાની તાકાતનું પણ કલાત્મક રીતે મર્મપૂર્ણ નિદર્શન છે. લોકકવિતાની આ જ ખરી ખૂબી છે. એમાં માત્ર વર્ણન નથી, એ વર્ણનો માત્ર વર્ણનરૂપે નહીં પણ આંતર-વ્યક્તિમત્તાની ઓળખ કરાવવા માટે પ્રયોજાયેલ હોય છે. એ રીતે નારી માટે પ્રયોજાયેલા વર્ણનો માત્ર હૃદયસ્પર્શી નથી, પરંતુ મર્મપૂર્ણ પણ છે. આના વિશેષ ઉદાહરણો પંખીસૃષ્ટિનાં જે કંઈ વિશેષણો નિર્દેશાયા છે તેમાંથી પણ મળી રહે છે.

    ‘એની જીભડી છે ભેરવ જેવી’ તથા ‘બાજ જેવી છે નજરું એની’ – લોકગીતની પંક્તિમાં ઉલ્લેખાયેલ ભેરવ અને બાજ જેવા બિહામણા પક્ષીના નિર્દેશો દ્વારા નારીની આવી ભયાનક તાકાતને પણ જાણે કે ભારે અને માર્મિક રીતે વર્ણનકારે તાકી છે. આવી નારીના ગભરુ, ભોળા અને ભીરુ વ્યક્તિત્વના નિર્દેશ માટે ‘પારેડી’ જેવા વિશેષણો પણ અનેક લોકગીતોની પંક્તિમાંથી દૃષ્ટિગોચર થાય છે.

    નારીને પંખી સાથે સરખાવીને એને એક જગ્યાએ સ્થિર નથી રહેવાનું એનું સુચન પણ એ નિરૂપણ દ્વારા વ્યક્ત થયું છે. એમાંથી એના હૃદયભાવોને બળકટ અભિવ્યક્તિ સાંપડી છે. એ ગીતમાં ખરા અર્થમાં જાણે કે નારીહૃદયનો વલોપાત નિરૂપાયો છે. ફરિયાદ પિતાને-માતાને કે ભાઈને નહીં પણ દાદાને છે. પૌત્રોના વિશેષ પક્ષપાતનું ભાજન દાદા છે. અને દાદાનો પક્ષપાત પૌત્રો તરફ વિશેષ હોય છે. એમના વચ્ચે સંવાદ સવિશેષ છે. એ આજના આધુનિક વિભક્ત કુટુંબની સભ્યતામાં ક્યાંય સમજાશે નહીં.
‘દાદાને આંગણે આંબલો, આંબલો ધીરગંભીર જો,
એક તે પાન ચૂંટિયું, દાદા ગાળ ણ દેશો,
અમે રે લીલા વનની ચરકલડી, ઊડી જાશું પરદેશ,
આજ રે દાદાજીના દેશમાં, કાલે જાશું પરદેશ.’
    અહીં ચકલી-ચરકલડી જેવાં કોઈને ક્યાંય આડા ન આવતા, ન રંજાડતા ભોળા પંખીડાનો સંકેત ભારે મર્મપૂર્ણ-અર્થપૂર્ણ છે !

    નારી વર્ણનો માટે પ્રયોજાયેલા સંકેતો – વિશેષણોમાં પંખીસૃષ્ટિના જે કંઈ ઉલ્લેખો સ્થાન પામ્યા છે એ તમામ માત્ર નારીની દેહયષ્ટિને-રૂપસૃષ્ટિને આલેખતા નથી પરંતુ એ ઉપરાંત નારીના ચિત્તને આંતરવ્યક્તિત્વને પણ ઉજાગર કરે છે એમાં નારી સ્વભાવ અને મનોભાવ મર્મપૂર્ણ અને હૃદયસ્પર્શી અભિવ્યક્તિ પામતા હોય છે, ઉપરાંત એમાં આપણી લોકસંસ્કૃતિ-તળપદી ભાવનાઓ ઢબૂરયેલી હોય છે, જે લોકગીતને વિશેષ આસ્વાદમૂલક અને કલામૂલક પરિમાણ બક્ષે છે. જો કે લોકવિદ્યાવિદ્ પ્રોફે. લાભશંકર પુરોહિત અહીં નિરૂપાયેલ દાદાનો અર્થ પિતા કરવાનું સૂચવે છે.
(ક્રમશ:...)


0 comments


Leave comment