85 - લ્હેરાતા સાગરની સામે ઊભાં રહી / તુષાર શુક્લ


લ્હેરાતા સાગરની સામે ઊભાં રહી
મેં ભરતી માંગી તો મળી ઓટ
બળબળતા હોઠ, સામે છલકેલો જામ
એને અણધારી લાગી ગૈ ચોટ
સાવ ઓચિંતુ બની ગયું આ
સખીરિ, એના કારણમાં, એક તારી ‘ના’.

“ખાધું, પીધું ને રાજ કીધું’ની વારતામાં
ઝંખી’તી એક તારી હા
સખીરિ, મને અણધારી મળી તારી ‘ના’.

સ્પર્શ તણી ઇચ્છાનાં પાળ્યાં પતંગિયા
તે મુઠ્ઠી ખૂલતાં જ ગયાં ઊડી
સૂની હથેલીમાં ટળવળતી રેખાઓ,
આંસુ આ આંખોની મૂડી
આષાઢી આભ તળે તરસ્યા આ ચાતકને
એકાદું ટીપું તો પા!

ફૂલોએ મોઢું આજ ફેરવી લીધું ને કહ્યું ઝાકળને,
“બીજે ક્યાંક જા”
સખીરિ, એમ અણધારી મળી તારી ના

ઓગળતા ઓરતાઓ આંસુ થઈ ચાલ્યા
ને બોલેલા શબ્દો તો ડૂમો
ધગધગતા અંગારા ચૂમી લેવાય,
તમે પથ્થર ને કેમ કરી ચૂમો?
હારવા માટે ય મારે રમવું’તું આજ
સખી, પળ બે પળ ભેરું તો થા.

રમવી’તી સાતતાળી, દઈ દીધી હાથતાળી
‘હવે’ એકલાએ દેવાનો દા.
સાવ અણધારી મળી તારી ના.


0 comments


Leave comment