86 - તમે સાંભરે એ આપનું એકાન્ત ? / તુષાર શુક્લ


તને સાંભરે એ આપણું એકાન્ત
મને વિસરે ના આપણું એકાન્ત

વાસંતી લ્હેરખીએ આવીને હળવેથી
લ્હેરાવ્યું આપણું એકાન્ત
લોહીઝાણ રંગોએ, કોરા ઉમંગોને
પહેરાવ્યું આપણું એકાન્ત

તને સાંભરે એ આપણું એકાન્ત
મને વીસરે ના આપણું એકાન્ત

આછા ચોમાસે જ્યાં ધોધમાર વરસ્યા
એ વૃક્ષોને લીલુંછમ યાદ
હૈયામાં ધસમસતા લાગણીના મેઘ
હવે કોરપની કરતા ફરિયાદ
ખેતરને શેઢે કે વગડા કે સીમ મહીં
કલરવતું આપણું એકાન્ત
સૂની આ સંધ્યાએ મનની અટારીએ
ટળવતું આપણું એકાન્ત

તને સાંભરે એ આપણું એકાન્ત?
મને વીસરે ના આપણું એકાન્ત

હાથોમાં હાથ લઇ ચાલ્યા સંગાથ
એવા મારગનો વણસૂણ્યો સાદ
એવાં તે કેવાં આ પગલાં મંડાયા
કે સંગાથે ચાલ્યાનું બાદ?
આંખોમાં આંસુના તોરણ ને
અવસરમાં ઝળહળતું આપણું એકાન્ત
સ્મરણોની શૂળ બની હૈયાને વીંધતું
ટળવળતુ આપણું એકાન્ત.

તને સાંભરે એ આપણું એકાન્ત?
મને વીસરે ના આપણું એકાન્ત


0 comments


Leave comment