87 - સ્મરણોના અજવાળે રહી રહીને ચમકે છે / તુષાર શુક્લ


સ્મરણોના અજવાળે રહી રહીને ચમકે છે
તૂટ્યા સંબંધ તણા કાચ
મનગમતા ચ્હેરાનું ઝીલે પ્રતિબિંબ
એવું કારણમાં લાગે કદાચ

બળબળતા ઉનાળે ડામરના રસ્તા પર સંગાથે ચાલ્યાં તે આપણે
ગુલમ્હોરે, ગરમાળે, વહેતા શિરીષ સંગ, સંગે સુગંધાયા આપણે
ધોધમાર વર્ષામાં લથબથ ભીંજાતા કોઈ વૃક્ષ નીચે ઊભાં તે આપણે
સંગાથે કોતરેલાં નામ તણા અક્ષરની આંગળીએ ઉકલ્યાં તે આપણે
કડકડતી ઠંડીમાં અંતર ઓગાળતાં પાસે સરક્યાં’તાં તે આપણે
હૈયાનાં હૂંફાળા માળામાં બેઉ પછી ઝીણું ફરક્યાં’તાં તે આપણે
ક્યારે ને કેમ આમ મોસમ બદલાઇ અને આવી સંબંધને શી આંચ?
સ્મરણોનાં અજવાળે....

માન્યું’તું વાતો નહીં ખૂટે આ વાટમાં, છો ખૂટી જાય દિવસને રાત
પડખું બદલીને આ સૂતેલાં મૌન તળે કચડાયાં સપના રળિયાત
માન્યું’તું મનગમતી વાટ મહીં મ્હાલીશું, ડગલાં ભરીને સાથ, સાત
અંતર કપાયું નહીં, ક્યાંયે પહોંચાયું નહીં, ઝંખના તો ઝાકળની જાત
માન્યું’તું સંગાથે માંડવડે મ્હોરશું ને ઝૂલીશું મનની મ્હોલાત
મખમલના મારગડે વાગી શી ઠેસ? કોણે રોળી રંગોળીની ભા?
કદી ઊગશે પ્રભાત અને ખરશે પારિજાત એવા સપનાંને તોય માનું સાચ


0 comments


Leave comment