88 - મને આરપાર વીંધે છે તારી ઉપેક્ષા / તુષાર શુક્લ


મને આરપાર વીંધે છે તારી ઉપેક્ષા
ને પીડે છે તારો સ્વભાવ
સાથે ચાલીને સાવ તરછોડી દેવાનો
ક્યાંથી તેં કેળવ્યો સ્વભાવ?

હૈયાની ધરતીમાં મૂળ નાખી મ્હોરી
ને છાંયો ઢાળે છે બીજા આંગણે
ટળવળતા ટહુકાના તોરણ બાંધીને
મીટ માંડીને બેઠો છું બારણે
ઠોકર ને પત્થર શો આપણો સંબંધ
તારો છૂટે ના મનથી લગાવ

ખોબે ખોબે તું મને જાતી ઊલેચતી
ને ઝંખનાઓ તો ય ઊભરાતી
સામે ઊભી ને તો ય સ્પર્શી શકાય નહીં
આવીને સપને સમાતી
આંખોથી ‘આવ’ કહે, હોઠે થી ‘જાવ’
વળી, કહેતી કે ‘સાથ તું નિભાવ’

બે કાંઠે છલકાતી સરિતાને તીર, તોય
લાગે હું એક રહ્યો તરસ્યો?
આસપાસ કોરપ ને જોઇ મને સમજાયું....
લાગે છે, હું જ નથી વરસ્યો
તારા ચોમાસા ને મારા ઉનાળાના
મળતા નથી રે હાવભાવ


0 comments


Leave comment