91 - વ્હાલાની વ્હાલપનું વહી જાતું વ્હાણ / તુષાર શુક્લ
વ્હાલાની વ્હાલપનું વહી જાતું વ્હાણ
હું તો કાંઠાને વળગીને બેઠી
ઉછળતા દરિયાને અળગો રાખીને
મેં તો વેળુની વેદનાને વેઠી...
મોજાનો ઘૂઘવતો ઘેરો ગંભીર નાદ
પ્રિતમની પ્રીત તણો પાવો
કાંઠાને સ્પર્શીને ફોરાં થઈ જાય
તોય મીઠપનો રાગ એને ગાવો,
ભીંજવવા લાખ મથે વ્હાલાનું વ્હાલ
હું તો કોરપને જાળવીને બેઠી,
મેં તો વેળુની વેદનાને વેઠી....
આકાશી અનુબંધો ત્રોફાવી રોજ
એનો વહી આવે સાદ મને કહેતો,
“એગળતાં શીખવાની ઝંખના છતાંય
શાને કાંઠાનો મોહ તને રહેતો?”
શંખલાને છીપમાં જ કરવાં મુકામ
જાણે દરિયાની પ્રીત કરી બેઠી,
મેં તો માગીને વેદનાને વેઠી.
0 comments
Leave comment