92 - વા એ વધ્યાં ન તો ય વાઢ્યાં / તુષાર શુક્લ
વા એ વધ્યાં ન તો ય વાઢ્યાં
કણસલાં કણસ્યા સાહેલડી
શાને સંબંધ આમ વરસ્યાં
કણસલાં કણસ્યાં સાહેલડી
મૂશળની ધારે મૂઓ વરસે ન મેહૂલો
ટપ ટપ ટીપાંના માંડ્યા ખેલ.
ઓલ્યા ભવે તે અમે રણમાં મૂઆ’તાં
તે શાને ખમાય આવાં ગેલ?
રે’શું મૃગજળને મીન બેઉ તરસ્યાં
કસલાં કણસ્યાં સાહેલડી-
નળિયાં ચૂમે છે ઓલી ચાંદની
ને ટળવળતાં કમખે ટાંગેલ ઝીણા મોર
મેડી રડે છે ઓલી રાત રાત જાગીને
સૂણે ન ફળિયું કોઈ શોર,
કે આંખ્યું ને આભ બેઉ વરસ્યાં
કણસલાં કણસ્યાં સાહેલડી-
પંખીની વાટ જોતું ખેતર ઊભું છે
“કોઇ ચૂગવા આવે કે” એની આશે.
“આમ જ થાવું” તું તો નો’તું ઉગવું અમારે
રૂડા સૂતા’તા અમે ચાસે.”
કે ચાડિયા સંગાથે ચડભડિયાં
કણસલાં કણસ્યાં સાહેલડી
શાને સંબંધ આમ વણસ્યાં
કણસલાં કણસ્યાં સાહેલડી.
0 comments
Leave comment