93 - ધૂમ્મસની શેરીના આછા ઊજાસ / તુષાર શુક્લ


ધૂમ્મસની શેરીના આછા ઊજાસ મહીં
આંખો ને અધખૂલી સાંપડે
અડકું જરાક ત્યાં જ નીતરે ઊઘાડ
મારા ટેરવાંને એવી તું આવડે.

પ્હેલા વરસાદ તણું ધોધમાર બ્હાનું લઇ
કૂંપળ ફૂટ્યાનું મને યાદ
જાણીતા શહેર તણી જાણીતી ગલીઓમાં
અણજાણ્યો કોઈ ઊઠ્યો સાદ
મહૂડાની ગંધ તણાં ઘૂઘવતાં પૂર,
તારે રૂંવે રૂંવે મને સાંપડે

ધરતીની ધૂળ ક્યારે થૈ ગૈ ગુલાલ
ક્યારે આંખોમાં ખેલાયા ફાગ.
પાંપણની પાદર લગ સઘળું રંગાયું
અને છેડાયા વાસંતી રાગ
પીળચટ્ટા નાગ તારા ઓશિકે ડોલતા
ને અલબેલી બીન કોઇ સાંપડે

લીંપેલી ભીંતો પર સિંદૂરી થાપા
ને થાપામાં ટળવળતી આંખો
ધ્રબકેલા ઢોલ તણો ધબકારો રહી રહીને
હાથ મહીં ધ્રૂજે છે ઝાંખો
અણજાણ્યા ઓરડાનું, અણજાણ્યું અંધારું
અણજાણ્યે અણસારે સાંપડે


0 comments


Leave comment