94 - મેં તો કાલાં ફોલ્યાં ને કાઢ્યાં કપાસિયાં / તુષાર શુક્લ


મેં તો કાલાં ફોલ્યાં ને કાઢ્યાં કપાસિયાં
ને ઊડ્યું આંગણામાં રેશમિયું રૂ

પિયરનો પીંજારો પીંજવાને આવ્યો
એણે ઉંબરામાં કીધો મુકામ
સાસુડીએ કીધું કે પીંજી દે રૂ
અને એણે ગજાવ્યું રે ગામ

મેં તો છૂંદણા છૂંદાવ્યા ને મેલી મરજાદ
કીધું વ્હાલમનું નામ છે રે શું

પીંજારો પીંજીને ચાલ્યો ગયો ને
તોય ઓરડામાં ગુંજારવ થાય
લીલીછમ લાગણીઓ લૂમેઝૂમે રે
છોને દલડામાં દાવાનળ થાય

મેં તો લીંપણ લીંપ્યાને એમાં પાડી રે ભાત
એમાં હસતો વ્હાલમજી, તું.


0 comments


Leave comment