95 - આપણું જ સરનામું હોય તોય / તુષાર શુક્લ


આપણું જ સરનામું હોય તોય હાથમાંથી
પાછો લઇ જાય જેમ કાગળ
વરસ્યા વિના જ એમ પાછું વળ્યું છે આજ
આષાઢી આભલેથી વાદળ

અક્ષર જાણીતા ને સરનામું પૂરું
ને ગુલમ્હોરી બંગલો ય સાચો
મારા આંગણીઆમાં આવી મને જ કહે
‘માલિકનું નામ જરા વાંચો’
મારી ઓળખને આમ ચોરીને કોણ
ગયું દોડી, આ સાવ મારી આગળ?

હુંની હું, હું જ મારા સરનામાં બાબતમાં
એવી તે કેવી બેધ્યાન?
કે કાગળ નહીં પહોંચવાના કારણમાં કોઇ લખે!
‘માલિકે બદલ્યું મકાન’

પળમાં બદલાઇ જતી ઓળખ, જ્યાં નામ કોઇ
વંચાતું નામ તણી પાછળ


0 comments


Leave comment