96 - આમ તો પળ માત્ર બે ત્રણ થાય છે / તુષાર શુક્લ


સ્ત્રી: આમ તો પળ માત્ર બે ત્રણ થાય છે, એક કાગળ ખોલતામાં
પુ.:કેટલું એ પળ મહીં જીવાય છે, એક કાગળ ખોલતામાં

સ્ત્રી: બંધ ગડીઓ કૈંક ઉકેલાય છે, એક કાગળ ખોલતામાં
પુ.:કૈંક ઊંડું એમ ઉલેચાય છે, એક કાગળ ખોલતામાં

સ્ત્રી: ભરબપોરે એક ટપાલી પત્ર આપી જાય છે
પુ.:પત્ર મળતાં આંખમાં એ સ્હાંજ, કાં ડોકાય છે?

સ્ત્રી: કોઈ અજાણ્યાં અક્ષરે સરનામું આ વંચાય છે
પુ.: એક અક્ષર આંખમાં આંજણ બની અંજાય છે

સ્ત્રી: કોનો હશો? ક્યાંથી હશે? શાથી હશે? શું થાય છે?
પુ.: રેડિયામા મહંમદ રફી સાહિરની રચના ગાય છે

સ્ત્રી: હાથ આ સુગંધથી છલકાય છે : એક કાગળ ખોલાતામાં
પુ.: શૂળ જેવું આંખમાં ભોંકાય છે : એક કાગળ ખોલાતામાં

સ્ત્રી: કોને નામે પત્ર છે એ ના કંઈ સમજાય છે
પુ.: ખાલી જગા રૂપે ય કોઇ સંબંધ સંબોધાય છે

સ્ત્રી: છો મજામાં? એટલામાં પત્ર પૂરો થાય છે
પુ.: ને બધી ખાલી જગા આંસુ થકી પૂરાય છે

સ્ત્રી: નામ પોતાનું ય તે લખનાર ભૂલી જાય છે
પુ.: ને સ્મૃત્તિના બંધ દ્વારો સહજ ખૂલી જાય છે

સ્ત્રી:‘કોણ છે’ નો પ્રશ્ન ઊભો થાય છે : એક કાગળ ખોલાતામાં
પુ.: એક ઉત્તર હોઠ પર અટવાય છે : એક કાગળ ખોલાતામાં

સ્ત્રી: મન ‘મજામાં છો?’– મહીં અટવાય છે : એક કાગળ ખોલતામાં
પુ.: કોઇ ભૂલકણું યાદ આવી જાય છે : એક કાગળ ખોલતામાં

સ્ત્રી: પત્રમાં ખાલી જગા દેખાય છે : એક કાગળ ખોલતામાં
પુ.: ને સફર સ્મરણોની આરંભાય છે : એક કાગળ ખોલતામાં


0 comments


Leave comment