97 - અલી પારકી હથેલીની રેખા / તુષાર શુક્લ


અલી પારકી હથેલીની રેખા
તું કેમ મારા સપનાને સંકોરી ચાલતી?
વહી જાશે મનના માનેલા સંગ દૂર દૂર
રહી જાશે એકલતા સાલતી

ધરતીને આભ બેઉ મળતાં રે ક્યાંક
એવું ગમતું ગમતું રે બેઉ ધારતાં
ખાધું પીધું ને હવે કરશું હો રાજ
એવા અંતને અધૂરી રહી વારતા
મળવું એ છળવું છે, જાણે છે તોય
મારી ઝંખના તો ઝૂરાપે મ્હાલતી

ઓરડાની માલીપા ખાલીપો ખખડે છે
ઉંબર પર વાગે છે ઠેસ
આંખોથી સપનું ખોવાય એવી આંખોમાં
રહેતી ઉદાસી હંમેશ
ઠોકરની પીડાને જાણે છે તોય
મારી આંખો તો સપનાઓ આંજતી

ધોધમાર વરસે ને તોય જીવ તરસે
એ વર્ષા તે કેવું વરદાન?
સંગાથે ભીંજાવું ભૂલી જઇએ તે એમાં
વ્હાલપનું થાશે અપમાન
છોડાવી હાથ અને વિસારી સાથ
તું તો આઘેનો મારગડો ઝાલતી

અષાઢી વાદળ થઈ ઘેરાતી આભ
હવે ચોમાસું ચાતરીને ચાલતી
સ્મરણોના દીવા થૈ ઝળહળતી આંખોમાં
અંધારે એકલતા સાલતી


0 comments


Leave comment