21 - અઘરું છે; પણ કાગડાઓ રામ બોલે / દિનેશ કાનાણી
અઘરું છે; પણ કાગડાઓ રામ બોલે,
એની અંદરની વ્યથાઓ રામ બોલે !
સાચું ખોટું રામ જાણે; હું કહું કે,
વૃક્ષના સૌ પાંદડાઓ રામ બોલે !
વાદળાંઓ સાવ અમથા ના વહે કૈં;
વ્હેતાં-વ્હેતાં વાયરાઓ રામ બોલે.
ઘર અમારું એટલું પાવન હતું કે,
ભીંત, બારી, બારણાંઓ રામ બોલે !
બીજું તો શું બોલવાનું હોય એણે,
ચાંદ સૂરજ તારલાઓ રામ બોલે !
રોજ દિલમાં એ જ રાખી ઝંખના કે,
જીવની સૌ ઝંખનાઓ રામ બોલે !
આમ અઘરો લાગતો માણસ ભલેને,
સાંભળે જો એ કથાઓ રામ બોલે !
વૃદ્ધ માતા પિતાની એક ઇચ્છા
કોક દિ’ બસ દીકરાઓ રામ બોલે !
0 comments
Leave comment