23 - એ તરંગો થઈ બધે લહેરાય છે / દિનેશ કાનાણી


એ તરંગો થઈ બધે લહેરાય છે,
જિંદગી ક્યાં કોઈને સમજાય છે ?

સાવ નજદીક આવવાનું થાય છે,
મન પછીથી એકદમ બદલાય છે !

હાથ લંબાવું અને પીડા મળે,
આમને આમ જ ઘણું જીવાય છે !

સાંજ મારી એકલાની હોય છે,
ક્યાં બધાની આંખ અહિ છલકાય છે ?

બે ઘડીનો સાથ આપી જાય ને,
કાયમી સંભારણાં સચવાય છે.

છેક ઊંડે ઊતરીને જોયું છે,
તું મળે ને આયખું સંધાય છે !


0 comments


Leave comment