16 - કૃપા કરો ને કદી મારીયે ખબર કાઢો / હરીશ મીનાશ્રુ


કૃપા કરો ને કદી મારીએ ખબર કાઢો
વૈદથી કૈંક રહી હોય તો કસર કાઢો

હું ય આવી શકું એવો કોઈ અવસર કાઢો
નયન નિતારી જુઓ, લુપ્ત સરોવર કાઢો

આપણે બેએ મથી રત્ન કાજે રાંક કર્યો
બની શકે તો એ જ આદિ સમંદર કાઢો

જીવનનો અર્થ ઊઘડવાનો વદતોવ્યાઘાતે
જીવતેજીવ મને ખોતરી કબર કાઢો

તમારા ઢાંકપિછોડા હવે નહીં ચાલે
ઉઘાડો આંખ પારદર્શી, અગોચર કાઢો

હા, તમે ખિજ્ર નથી, માત્ર રાહદારી છો
પરંતુ આનો કૈંક રસ્તો, હમસફર, કાઢો

આપને હૂંડી બનીને હું સ્વયં વિનવું છું
હે શાહુકાર, સ્વહસ્તે અહીં અક્ષર કાઢો

એને ચોંટ્યા છે કૈંક સ્થળસમયના અધ્યાસો
આ શબ્દેશબ્દની ઝાટકણી બરાબર કાઢો

સ્વયંને રોજ ઉધારી જમા કર્યાં તમને
હિસાબ આટલાં વર્ષે હવે સરભર કાઢો


0 comments


Leave comment