17 - એમની હળફટે ચઢી જો ને / હરીશ મીનાશ્રુ


એમની હડફટે ચઢી જો ને
શબ્દ ખાતર વટે ચઢી જો ને

છાકથી છેવટે ચઢી જો ને
જાગ, જોગીવટે ચઢી જો ને

જાત સામે જો તારો કજિયો છે
એમની કોરટે ચઢી જો ને

કેટલાં બહારવટાં ખેલ્યાં તેં
આજ અંદરવટે ચઢી જો ને

તું જ રેશમ છે, તું જ રંગત છે
તું નહી ઊપટે, ચઢી જો ને

તારું હોવું ફૂલેલ થઈ જાશે
આ લહરતી લટે ચઢી જો ને

આવ, માપી લે તરસનાં પાણી
બે ઘડી પનઘટે ચઢી જો ને

આ નદી છે ને એ જ નૌકા છે
વિનવતો કેવટે, ચઢી જો ને

સંત પ્રોવી લે તને પણ તંતે
એટલી ઝીણવટે ચઢી જો ને

મરણને આજ ચઢાવી ઠેબે
મોજથી મરઘટે ચઢી જો ને


0 comments


Leave comment