18 - મારો પડછાયો પીને લડખડે ઇદં તૃતીયમ્ / હરીશ મીનાશ્રુ


મારો પડછાયો પીને લડખડે ઇદં તૃતીયમ્‌
હું તો શોધું છું મને પણ જડે ઇદં તૃતીયમ્‌

તમારા બદલે બંધ ઓરડે ઇદં તૃતીયમ્‌
જીવે છે જાણે તમારા વડે ઇદં તૃતીયમ્‌

એક ને બે-ને રવાના કરીને બેઠાં ત્યાં
તમારા આંગણે આવી ચડે ઇદં તૃતીયમ્‌

વિચિત્ર કેટલું છે હોવું: મને શંકા છે
ચઢાવ્યું ચિત્રગુપ્તે ચોપડે ઇદં તૃતીયમ્‌

હું નિરામયમાં ઊડું છું ને મારા ઘરમાં તો
ગોદડી થૈને તાવે તરફડે ઇદં તૃતીયમ્‌

ક્યારનો તું ઊઠીને થૈ ગયો છે ઘર ભેગો
તો ય બેઠું છે હજી બાંકડે ઇદં તૃતીયમ્‌

હું અને તુંનો સમાવેશ માંડ એકાંતે
આપણા બેની વચ્ચે ચડભડે ઇદં તૃતીયમ્‌

પડ્યું ને પાથર્યું રહે છે ઠેઠ અંદર ને
હુકમ ચલાવે ત્યાં પડે પડે ઇદં તૃતીયમ્‌

એનો આકાર નિરાકારને મળતો આવે
ઘડ્યું છે જાણે કોઈ અણઘડે ઇદં તૃતીયમ્‌

આ તો ભાષા છે, ભલે ભોમિયો તું ડુંગરનો
ભરાવી દેશે તને ભેખડે ઇદં તૃતીયમ્‌

કહે છે સંત, મુલક છે ત્યાં શુદ્ધ નિર્ગુણનો
ઉલંઘી જા ને એક ઠેકડે ઇદં તૃતીયમ્‌


0 comments


Leave comment