19 - ઇચ્છામરણનો કેવો ઉત્કટ પ્રકાર છું હું / હરીશ મીનાશ્રુ


ઇચ્છામરણનો કેવો ઉત્કટ પ્રકાર છું હું
ઘીના દીવાનો સ્નેહી છું, અંધકાર છું હું

આ ભોમિયા વિનાના ડુંગરનો ભાર છું હું
તરણું હટે તે ક્ષણનો બસ ઇંતઝાર છું હું

શોધીને છટકબારી ભાષાની કેદમાંથી
છટકેલ મનસ્વી ને મોઘમ વિચાર છું હું

પડછાયો ક્યાં છું, મારી ભીતરમાં જે વસે છે
હતપ્રભ સૂરજનો ઝાંખોપાંખો પ્રચાર છું હું

મારું ઊઘડવું જાણે સખ્ખત વખાઈ જાવું
દીવાલના યે મ્હોંમાં થૂંકે તે દ્વાર છું હું

અજવાળું ચારેબાજુ હો ઘસઘસાટ ઊગ્યું
અઘરી ને સાવ એદી, કેવી સવાર છું હું

મારામાં વિશ્વ એવું ઠાંસીને મેં ભર્યું છે
ખુદમાં ન જેવો-અમથો-ચપટી-લગાર છું હું

દર્પણમાં આપ સૌને એકાકી લાગવાનો
ફોડી શકો તો ઘાયલ થૈને હજાર છું હું

નવરાશ છે નિરંતર ને વ્યસ્ત છું યુગોથી
બ્રહ્માની જેમ શબ્દોનો કારભાર છું હું


0 comments


Leave comment