20 - બે જણા ભરપૂર એકાકી હશે / હરીશ મીનાશ્રુ


બે જણા ભરપૂર એકાકી હશે
ને પરસ્પરતા થકી થાકી જશે

જે પિપાસા થૈ વસે અભ્યંતરે
તે સદેહે સન્મુખે સાકી હશે

એક બિન્દુમાંથી રેખા ઊગશે
ફૂલશે ફળશે અને પાકી જશે

છેવટે આકાશ, તેં પણ આબરૂ
શબ્દને અંગે વીંટી ઢાંકી હશે

તું ગનાનીને ઉતારી દે અખા
શ્વાન હળવેથી શકટ હાંકી જશે

વિશ્વ મૂકયું છે તમારા હાથમાં
શક્ય છે, એ હાથચાલાકી હશે

ઉગ્ર ચર્ચાના સમાપનમાં મરણ
મૌનની બે કંડિકા ટાંકી જશે


0 comments


Leave comment