21 - તોરણે તાજી વસંતો, સાથિયામાં સત હજો / હરીશ મીનાશ્રુ


તોરણે તાજી વસંતો, સાથિયામાં સત હજો
જે પરિચય પાર છે, પોતે જ અભ્યાગત હજો

આ વિધિમાં, આ વિધાનોમાં વિકટ દૈવત હજો
હે વિરહ, આઠે પ્રહરનાં જાગરણ ને વ્રત હજો

હોઠ પર નિઃશબ્દ ને કંઠે ગહનતમ ગત હજો
વાદ્યથી નિરપેક્ષ વાદકની સહજ સંગત હજો

ઉંબરે મસ્તક ઉતારીને ઊભો મહાવત હજો
હા, કમળતંતુથી બંધાયેલો ઐરાવત હજો

જે અહીં પ્રત્યક્ષ છે એની ઊપર ઢોળો કળશ
જે પ્રતીક્ષામાં વસ્યા તે સર્વનું સ્વાગત હજો

આ સ્મૃતિમય રાત ઝાકળના સ્ફટિકો બાંધશે
આ તૃષા વહેલી પરોઢે પાંદડે અમરત હજો

શગની માફક ઝળહળે પાંચેય આંગળીઓ હવે
ઘટ ભૂલીને ઘાટ પર હોવું સ્વયં આરત હજો

શબ્દ મારો વિશ્વની પીડાનો પારંગત હજો
આ ગઝલ પણ એ હદે એકાકી ને અંગત હજો


0 comments


Leave comment