22 - ધરાશાયી છે બોધિવૃક્ષ તારા પ્રાણની વચ્ચે / હરીશ મીનાશ્રુ


ધરાશાયી છે બોધિવૃક્ષ તારા પ્રાણની વચ્ચે
જરીકે જંપ ના વળશે તને નિર્વાણની વચ્ચે

સ્વયં દરિયાએ જેને દાઢમાં ઘાલ્યું છે જુગોથી
નફિકરા થઈ મનુ બેઠા છે એવા વહાણની વચ્ચે

ચરણના સ્પર્શથી પણ ક્યાં હવે ચૈતન્ય સ્ફુરે છે
ઝૂરે છે સુંદરી ક્ષણના તરલ પાષાણની વચ્ચે

કઈ કુપ્પીમાં અમૃત છે, કઈ કુપ્પી ગરલની છે
સુરાસુર એ ભૂલી બેઠા છે ખેંચાતાણની વચ્ચે

હજારો હાથવાળો -તોય હસ્તાક્ષર નથી કરતો
ઊભા હૂંડી લઈ આછોતરા એંધાણની વચ્ચે

અઠે દ્વારિકા કહીને બેસવું’તું પણ રહી દ્વિધા
જીવનભર અંગૂઠા ને પારધીના બાણની વચ્ચે

નવુંનક્કોર અજવાળું લઈ ભાષા થકી ભાળું
આ સૃષ્ટિ સંતના એક જ શબદની આણની વચ્ચે

ગઝલ માંડી અમે એનાં વિકટ નકશેકદમ ઉપર
ઝીણાં નક્ષત્ર ટાંક્યાં છે પરમ પોલાણની વચ્ચે


0 comments


Leave comment