23 - કહેતાં જીભ ઊપડતી જ નથી / હરીશ મીનાશ્રુ


કહેતાં જીભ ઊપડતી જ નથી
આ રહી ક્ષણ છતાં જડતી જ નથી

હજાર ચાવીનો ઝૂડો ખણખણ
તારી ભાષા તો ઊઘડતી જ નથી

હાથ હેઠા પડ્યા છે પતઝડના
છાલ માણસની ઊખડતી જ નથી

ગાંસડી વેઠની છે બહુ વ્હાલી
ઉપાડી કેમે ઊપડતી જ નથી

ચાંદની રાતે કથા કૂથલી થઈ
એમ અમથી તો રખડતી જ નથી

કોની આંગળીઓ સહજ સ્પર્શે છે
ચહીને ઘાટ તો ઘડતી જ નથી

એની બે આંખની શરમ સૌને
અડકવા જાય તો અડતી જ નથી

બારીનું સત છે, ઊઘડતું રહેશે
સંતને ભીંત તો નડતી જ નથી


0 comments


Leave comment