25 - ઉજાસમાં પીગળતો અંધકાર માગે છે / હરીશ મીનાશ્રુ


ઉજાસમાં પીગળતો અંધકાર માગે છે
એ રસિકજન છે : શુદ્ધ ધુંધુકાર માગે છે

કરે છે પ્રાર્થનાનો ઢગ સ્વયંનાં ચરણો પર
આ વૃક્ષ પણ વિનયથી કર્ણિકાર માગે છે

બિરાજો પદ્મનું આસન રચી, પરમ સ્નેહી
ગતિ યે નિજનો ગહનતમ પ્રકાર માગે છે

પિળકના સ્વરથી પૃથક્‌ ક્યાં છે પાંદડી કે પવન
સમય સકળનો સહજ અંગિકાર માગે છે

રખે વિસરતો દ્રાક્ષવલ્લી તું મરૂથળમાં
આ સુરા છે જે તરસ નિર્વિકાર માગે છે

હાથમાં લૈને એક હૂંડી સંતના નામે
અજાણ્યા શહેરમાં તું શાહુકાર માગે છે


0 comments


Leave comment