26 - પીડાનો કારોબાર છે / હરીશ મીનાશ્રુ


પીડાનો કારોબાર છે
જ્યાં ઘા સ્વયં ઉપચાર છે

છે તો વિવશ કઠપૂતળી
રૂપરૂપના અંબાર છે

ઊડીને અંબર થૈ જશે
ઝાકળનો શિષ્ટાચાર છે

ફિલસૂફ દાઝ્યા તે પછી
ગુંજાફળે અંગાર છે

પૂછો ગણતરીબાજને
બે દુની દુનિયા ચાર છે

બે એકડાની જિંદગી
એકાકી ને અગિયાર છે

ત્યાં જોખમી છે જીવવું
એ ક્ષણ સમયની ધાર છે

આ દળકટક જેનાં હતાં
એની કુમક ને વ્હાર છે

ભાષાના ભડકે દાઝવું
ને તું જ દેખણહાર છે


0 comments


Leave comment