27 - સકલ વિશ્વની ત્યાં શરૂઆત / હરીશ મીનાશ્રુ


સકળ વિશ્વની ત્યાં શરૂઆત,
ગઝલ કરે જ્યાં અમને મ્હાત.

હું એકાકી ચાલ્યો જાત
પણ ત્યાં તો સંજોગવશાત્‌

એક સફરજન છે અર્થાત્‌
દંતકથાને ફૂટ્યા દાંત.

રીસ ચડે તો છણકો કર,
પળને કહી દે પારિજાત.

ખબરદાર કર સૂરજને,
ઝાકળમાં છે ઝીણી ઘાત.

જળમાં નશ્વર નામ લખ્યું,
તે ઇતિહાસ કરે વિખ્યાત.

બત્રીસ કોઠે દીવા,
ચામર ઢોળે ઝંઝાવાત.

લવણપૂતળી ઊતરે પાર,
તરી સમંદર સાતે સાત.

સમેટાઈ જા તું બીજમાં,
ઈશ્વર ઊગે તત્પશ્ચાત.

શબ્દ થકી વટલાઈ ગયો,
કરે કૂથલી નાગરનાત.

ગળથૂથી ને ગંગાજળ
હું પીઉં છું, તને ય પાત.

કૌસરનાં ડ્‌હોળા જળમાં,
શેખજી, કેમ ઝબોળે જાત.


0 comments


Leave comment