29 - એટલું સત તો ક્યાંથી લાવું હું / હરીશ મીનાશ્રુ


એટલું સત તો ક્યાંથી લાવું હું
જુદી જન્નત તો ક્યાંથી લાવું હું

ચબરખી અર્શની તું વાંચી લે
ખુદાનો ખત તો ક્યાંથી લાવું હું

તું ચલાવી લે કોરી વસિયતથી
માલમિલકત તો ક્યાંથી લાવું હું

એમણે અંગૂઠો બતાવ્યો’તો
તો દસ્તખત તો ક્યાંથી લાવું હું

શબ્દ ઝૂકી સ્વયં સલામ કરે
એવી ઇજ્જત તો ક્યાંથી લાવું હું

એમના ઉંબરે સિજ્દો કરવા
સર સલામત તો ક્યાંથી લાવું હું

મઝહબી છું તો શેરિયત લાવું
કહે, શરિયત તો ક્યાંથી લાવું હું

સાવ ચીમળાયલું સફરજન છે
પે...લી લિજ્જ્ત તો ક્યાંથી લાવું હું

મળે જ્યાં ગેરહાજરી ખુદને
એવી સોહબત તો ક્યાંથી લાવું હું

યે હૈં મશહૂર લામકાઁ ઉનકા
ફર્શ ને છત તો ક્યાંથી લાવું હું

એના ખડિયામાં માત્ર ખુશ્બૂ છે
એ હસ્તપ્રત તો ક્યાંથી લાવું હું


0 comments


Leave comment