30 - દૈયડનો દેવતા ને કલરવનાં અનુષ્ઠાનો / હરીશ મીનાશ્રુ


દૈયડનો દેવતા ને કલરવનાં અનુષ્ઠાનો
ગજવામાં ગડી વાળી રાખું છું આસમાનો

જોઈને બાજરીનું ઝૂલતું જવાન ડૂંડું
મસ્જિદનો મિનારો આ બુઢ્ઢો બની જવાનો

બોલ્યા વિના લચે કૈં બદરિફળોનાં ઝૂમખાં
પંડિત્‌ ! કહો શું વેચે છે બોબડી દુકાનો

ડમરાનાં પાંદડાંને ચપટીમાં ચોળી લઉં ને
અંગૂઠે મઘમઘે તે મઝહબ છે મળસ્કાનો

ઝાકળનું ટીપું ખુદને આબેહયાત કહીને
જે પાઠ શીખવે છે, શીખું છું છાનોમાનો

ખિસકોલી ઓળખી ગૈ પોતાના રામજીને
કૂંડામાં છોડ વાવ્યો’તો અજનબી ખુદાનો

ફિરદોસે ગુમશુદાની છે ગંધ આ પવનમાં
જોતા રહ્યા ફરિશ્તા : શતદલ ઊડ્યાં વિમાનો

રહેમતની નજર રાખે ઝૂકીને આ સરગવો
દરગાહ સાવ પાગલ, દરવેશ છે દિવાનો

ઓસડની જેમ આસુની પાંદડી ચૂંટીને
ગાલિબ ગઝલમાં એને હિકમતથી ઘૂંટવાનો


0 comments


Leave comment