1.1 - ગુજરાતી કવિતાનું યુગદર્શન / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ


    પોતાના ઉદભવકાળથી મનુષ્ય કોઈને કોઈ રીતે અભિવ્યક્ત થવા માગે છે. અભિવ્યક્તિની એવી નિજી આવશ્યકતાને કારણે ગુફાવાસી માણસ ગુફાચિત્રો કરતો થયો અને પશુ-પંખીઓની ચેષ્ટાઓનું અનુકરણ કરી અવાજના તાલે નૃત્યો કરતો. એવા જ પ્રકૃતિજગતના અનુકરણોમાંથી ભાષાનો જન્મ થયો. દુનિયાની દરેક ભાષાઓને ઉદભવકાળે પ્રેરણા પીયૂષ કવિતાએ પાયા છે. કવિતા માનવમનનાં ગહનતમ ભાવોને અભિવ્યક્ત કરે છે. કવિતાની વિભાવના આપતાં શ્રી આનંદશંકર ધ્રુવ નોંધે છે :
    "કવિતા એ પરમાત્માની મૂર્તિ છે, શબ્દબ્રહ્મનો એ આવિર્ભાવ આત્મા ઉપર અલૌકિક પ્રકાશ પાડે છે. એની ઝળહળ જ્યોતિ જડ અને ચૈતન્ય પદાર્થોના ઊંડા અન્ધકારનો નાશ કરે છે. આ જડ જગતના ઊંડા મર્મો કવિઓએ પ્રથમ જણાવ્યાં છે, ત્યારપછી જ પદાર્થ વિજ્ઞાનશાસ્ત્રીઓને જણાયાં છે. પદાર્થ વિજ્ઞાનશાસ્ત્રીઓ પણ કલ્પનાશક્તિને બળે જ નવી શોધો કરી શક્યા છે. અંતરગુહામાં સંતાઈ રહેલા અનેક અજ્ઞાત સામર્થ્યો અને અ”શક્તિઓ, સત્-અસત્ વૃત્તિઓ અને વાસનાઓ કવિતાના પ્રકાશથી પ્રકટ થાય છે.”[આનંદશંકર ધ્રુવ શ્રેણી : ૩, પૃ.૯૭]

    ગુજરાતી કવિતા પરંપરાનાં મૂળિયાં અગિયારમી સદીમાં હેમચન્દ્રાચાર્ય સંપાદિત લોકસાહિત્યના અપભ્રંશ દુહાઓમાં મળે છે. નરસિંહ, મીરાં, ભાલણ, અખો, પ્રેમાનંદ, દયારામ અને અન્ય સંત કવિઓની ધારાએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ઘડ્યું. અઢાર સો બાવનમાં છેલ્લા મધ્યકાલીન કવિ દયારામના મૃત્યુની સાથે મધ્યકાળ પૂરો થાય એ પહેલાં અઢાર સો પિસ્તાળીસમાં દલપતરામના ‘બાપાની પપીંપર’ના પ્રકાશને અર્વાચીન યુગના પગરણ થઈ ચૂક્યાં હતાં.

    ઓગણીસમી સદી સમાજ, સંસ્કૃતિ, શિક્ષણમાં આખા વિશ્વમાં પરિવર્તનકારી રહી. યુરોપમાં થયેલી ઔદ્યોગિક ક્રાન્તિને પરિણામે અનેક સામાજિક ઉથલપાથલો થઈ. ભારતમાં પણ આ જ સમયમાં અંગ્રેજ શાસનનાં મૂળિયાં દૃઢ થયાં. અંગ્રેજ પ્રજાના સંપર્કે આપણાં સમાજ સાહિત્ય-ધર્મ-સંસ્કૃતિ પ્રત્યે વિચારકો નવેસરથી વિચારતાં થયા. આવા સંક્રાન્તિકાળે દલપતરામનો જન્મ થયો. પરંપરાગત શિક્ષણ અને ફાર્બસ જેવા અંગ્રેજ અધિકારીની મિત્રતાને કારણે પરંપરા સાથે અનુસંધાન જાળવીને પણ દલપતરામની કવિતા નવા વિષયો-સંવેદનોને તાગવા લાગે છે. મધ્યકાળમાં બહુધા પરલક્ષી રહેલી કવિતા દલપતરામની ‘બાપાની પીંપર’માં આત્મલક્ષી બને છે. અવનવા વિષયો-છંદોને પરિણામે દલપતરામ આ સમયના અને ગુજરાતી કવિતાના મહત્વના પ્રસ્થાનકાર બને છે. દલપતરામથી ઉંમરમાં નાના નર્મદ પણ આ ગાળામાં કાવ્યપ્રવૃત બને છે. નર્મદે થોડું પણ અંગ્રેજી ઢબનું શિક્ષણ લીધું હોવાને કારણે તથા અંગ્રેજી સાહિત્યના સંપર્કને પરિણામે તેની કવિતા અર્વાચીનતા તરફ વધુ ઢળેલી છે. આત્મલક્ષી સંવેદન, સમાજ સુધારો, દેશાભિમાન જેવા વિષયોને કારણે નર્મદને અર્વાચીનોમાં આદ્ય તરીકે ગણવામાં આવ્યા. ‘નર્મકવિતા’ માંથી પસાર થતાં આપણે એ જોઈ શકીએ છીએ. આજ ગાળાના બીજા મહત્વના વિવેચક નવલરામ પંડ્યાએ પણ કાવ્યો લખ્યાં. તેમનાં કાવ્યોમાં પણ સમાજસુધારો જ કેન્દ્રમાં હતો. બાળવિવાહ, વિધવાવિવાહ વિશે નવલરામે કાવ્યો લખ્યાં. બાળવિવાહની બદીને કટાક્ષમય રીતે રજૂ કરતું ‘જનાવરની જાન’ જેવાં કાવ્યો આપણે જોઈ શકીએ છીએ. આ ત્રણ મહત્વના કવિઓ ઉપરાંત કવિ હીરાચંદ, હરગોવનદાસ કાંટાવાળા, ભોળાનાથ દિવેટિયા જેવા કવિઓએ પણ પોતાની સ્વતંત્ર પ્રતિભાએ કાવ્યસર્જન કર્યું. ઈ.સ.૧૮૪૫માં ‘બાપાની પીંપર’ના પ્રકાશનથી ૧૮૮૫માં ‘કલાન્તકવિ’ના પ્રકાશન સુધીના સમયગાળાને સુધારકયુગ તરીકે ગણવામાં આવે છે.

    સુન્દરમ્ કહે છે તેમ ‘પ્રાચીનો અને અર્વાચીનોની વચ્ચે સેતુ તરીકેનું જે સ્થાન દલપતરામનું છે તેવું જ સ્થાન અર્વાચીન કવિતાના પહેલા અને બીજા સ્તબક વચ્ચે બાલાશંકરનું છે.’ [અર્વાચીન કવિતા, પૃ.૧૪૮] પંડિતયુગ તરીકે ઓળખાનાર આ સમયગાળામાં કવિતાક્ષેત્રે અનેક નવ પ્રયાણો થયાં. બાલાશંકર કંથારિયાની કવિતામાં સંસ્કૃત, વ્રજ, અરબી-ફારસી શૈલીઓ પ્રગટી, તો સાથે સાથે ગઝલ જેવા અરબી-ફારસી સ્વરૂપનું સૌપ્રથમ ઈયત્તા અને ગુણવત્તા એમ બંને રીતે ખેડાણ કરી, એ સ્વરૂપને ગુજરાતીમાં દૃઢ કર્યું. ‘કલાન્તકવિ’ની કવિતામાંથી પસાર થતાં આપણે એ જોઈ શકીએ છીએ. આ યુગને સાક્ષરયુગ પણ કહેવામાં આવ્યો. સૌપ્રથમવાર અંગ્રેજી કેળવણી મેળવેલા સાક્ષરો આ યુગમાં સાહિત્ય સર્જન ક્ષેત્રે પ્રવૃત થયા. રાજ્યસત્તા હંમેશા પ્રજાજીવન પર ઊંડી અસર કરતી હોય છે. ઈ.સ.૧૮૫૭નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ અંગ્રેજોએ દાબી દીધો. રાણી વિક્ટોરિયાએ ઢંઢેરો કરી ભારતની સત્તા ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી પોતાને હસ્તક લીધી. આપણી દૃષ્ટિએ સંગ્રામ દાબી દેવાની ઘટના વિશેષ મહત્વની હતી. આ ઘટનાને એ સમયના કવિઓએ ‘દેશમેં આનંદ ભયો જે જે વિક્ટોરીયા’ (નર્મદ), ‘શુભ સંવતે ઓગણીપંદરામાં રુડું રાણીજીનું રાજ’ (દલપતરામ) વધાવ્યું હતું. અંગ્રેજ શાસનને પરિણામે ભારતમાં લોર્ડ મેકોલેના કહેવાથી અંગ્રેજી ઢબની કેળવણીની શરૂઆત થઈ. મુંબઈ, મદ્રાસ, કલકત્તામાં યુનિવર્સિટીઓની સ્થાપના થતાં નરસિંહરાવ દિવેટિયા, બ.ક.ઠાકોર, ન્હાનાલાલ, કાન્ત, કલાપી, ગોવર્ધનરામ જેવા કવિઓની એક આખી પેઢી આ શિક્ષણ પ્રણાલીમાં તૈયાર થઈ. એનો મોટો ફાયદો એ થયો કે અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ તો થયો જ પણ સાથે સાથે સંસ્કૃત સાહિત્યનો સંપર્ક પણ વધ્યો. પરિણામે આપણી પરંપરાઓ પ્રત્યે આ કવિઓ સભાન થયાં. નરસિંહરાવ દિવેટિયાએ પાલ્ગ્રેવની ‘ગોલ્ડન ટ્રેજરી’ પરથી પ્રેરણા લઈ ‘કુસુમમાળા’ કાવ્યસંગ્રહ આપ્યો. ‘કુસુમમાળા’ના કાવ્યપુષ્પો ‘રંગ રૂપ ગંધવિહીન’ (મણિલાલ નભુભાઈ દ્વિવેદી) હોવા છતાં વિષયની એક નવી દિશા ખોલી આપી. મૂળે ઈતિહાસના પ્રોફેસર બલવંતરાય ઠાકોરે ઇટાલિયન કાવ્યસ્વરૂપ સોનેટને ગુજરાતીમાં રોપ્યું અને ઉત્તમોત્તમ સોનેટ રચનાઓ આપી, સોનેટ સ્વરૂપને દૃઢમૂળ કર્યું. માત્ર કવિતા જ નહીં પણ કાવ્યના સ્વરૂપ વિષે પણ બ.ક.ઠાકોરે વિચારણા કરી માટે તેમને કવિતાશિક્ષકનું બિરુદ મળ્યું. માત્ર લાગણીના ઉભરાઓની સામે તેમણે વિચારપ્રધાન કવિતાની વાત કરી. ‘મ્હારાં સોનેટ’માં આપણે એમની કાવ્યવિભાવના કવિતા સ્વરૂપે જોઈ શકીએ છીએ. મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ પોતાની નિજી સિસૃક્ષાને જરૂરિયાતમાંથી ખંડકાવ્ય નામનું નવું સ્વરૂપ નિપજાવ્યું. ગ્રીક ટ્રેજડી અને સંસ્કૃત દીર્ઘકાવ્યના સંયોજને કરીને ઉત્તમ ખંડકાવ્યો તેમણે આપ્યાં. ‘વસંતવિજય’, ‘ચક્રવાક મિથુન’, ‘અતિજ્ઞાન’ જેવા ખંડકાવ્યોમાં નિયતિની નિષ્ઠુરતા સંસ્કૃત તત્સમ પદાવલી અને અનેક છંદોના પ્રયોગે આલેખી. ટી.એસ.એલિયટે તો ઘણી પાછળથી ‘ઓબ્જેક્ટીવ કો રીલેટીવ’ની વાત કરી, કાન્તના ખંડકાવ્યોમાં આપણે એ વિશેષરૂપે પ્રયોજાયેલી છે.

    ત્યારબાદ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ એ રાગ અને ત્યાગ વચ્ચેની પરિસ્થિતિને વ્યક્ત કરતાં કાવ્યો આપ્યાં. લાગણીના અતિરેકવાળી હોવા છતાં એમની કવિતાના કામણ એક સદી પછી પણ સામાન્ય ભાવકના મન પરથી ઓછાં થયાં નથી. ગઝલ, સોનેટ, ખંડકાવ્ય એમ અનેક સ્વરૂપોમાં તેમણે કાવ્યલેખન કર્યું. ‘હમીરજી ગોહિલ’ નામે પોતાના પૂર્વજ પર મહાકાવ્ય લખવાનો પડકાર પણ તેમણે ઝીલ્યો. ‘રૂડી ગુજરાતી રાણી વાણીના વકીલ’ દલપતરામના પુત્ર ન્હાનાલાલે પોતાનાં કાવ્યોમાં ગુજરાતી સ્ત્રીહૃદયના ભાવોને વ્યક્ત કર્યા. વિપુલ પ્રમાણમાં એટલું જ સત્વશીલ કાવ્યસર્જન કરી, ન્હાનાનાલ તે સમયમાં મહાકવિનું બિરુદ પામ્યા. કવિતાનાં અનેક સ્વરૂપોમાં વિષય-સંવેદન અને સ્વરૂપની રીતે નવપ્રસ્થાન કરનાર આ મહત્વના કવિઓ ઉપરાંત ત્રિભુવન પ્રેમશંકર ‘મસ્ત કવિ’, ગોવર્ધનરામ ત્રિપાઠી, અરદેશર ફરામજી ખબરદાર જેવા કવિઓએ પણ પંડિતયુગની કવિતામાં પોતાનું નિજી યોગદાન આપ્યું.

    વીસમી સદીના બીજા દસકામાં ભારતીય ઉપખંડ અને આમ તો સમગ્ર વિશ્વને પ્રભાવિત કરનાર શકવર્તી ઘટના બની. મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડાઈનો સફળ પ્રયોગ કરી ભારત પાછા આવ્યાં. એમનો પ્રભાવ તત્કાલીન આઝાદીની લડતમાં જ નહીં પણ સાહિત્ય તેમજ જીવનનાં બધાં ક્ષેત્રોમાં પડ્યો. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે તેમણે ‘કોશિયો પણ સમજી શકે તેવી ભાષા’માં સાહિત્ય રચવાની હિમાયત કરી. અત્યાર સુધી ભદ્રવર્ગ દ્વારા જ અને જાણે કે ભદ્રવર્ગના જ સંવેદનોને આલેખતી કવિતાની સામાન્ય માણસની વાત કરી. ઉમાશંકર જોશી, સુન્દરમ્, ઝવેરચંદ મેઘાણી, કૃષ્ણલાલ શ્રીધરાણી, ત્રિભુવન વ્યાસ, મનસુખલાલ ઝવેરીનાં કાવ્યોમાં આપણે એ જોઈ શકીએ છીએ. સુન્દરમ્-ઉમાશંકરે વૈયક્તિક ભાવો ઉપરાંત દલિતો-પીડિતો-વંચિતોની વેદના, ભાવ-સંવેદનો ‘બામણાં-ગામની ભંગડી’, ‘તેર સાતની લોકલ’, ‘દળણાંના દાણા’, ‘જઠરાગ્નિ’ જેવા કાવ્યોમાં આલેખી. ઉમાશંકરે ‘વિશ્વશાંતિ’માં ગાંધીમૂલ્યો સત્ય-અહિંસા-પ્રેમ દ્વારા વસુધૈવ કુટુંબકમનો મંત્ર દૃઢ કર્યો. મેઘાણીએ પ્રેમ-શૌર્યના ગીતો દ્વારા તત્કાલીન પ્રજામાં આઝાદીની ચેતના પ્રગટાવી. દસ પંદર વર્ષના આ ટૂંકાગાળા પછી ઈ.સ.૧૯૪૦માં પ્રહલાદ પારેખનો ‘બારી બહાર’ કાવ્યસંગ્રહ પ્રકાશિત થાય છે અને ગુજરાતી કવિતામાં વિષય અને અભિવ્યક્તિનો વળી પાછો મોટો વળાંક આવે છે. ગાંધીયુગનું જ સંતાન હોવા છતાં જાણે કે એ બધાથી અલિપ્ત રહી માત્ર સૌંદર્યબોધ આ કાવ્યોમાં પ્રગટ્યો. પ્રહલાદ પારેખની કવિતાને પોંખતાં ઉમાશંકર જોશીએ એને ‘નીતરાં પાણી’ કહીને આવકારી. પછી તો સૌન્દર્યાભિમુખ કવિતાનો આખો યુગ આવ્યો. રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, ઉશનસ્, જયન્ત પાઠક જેવા કવિએ ગાંધીયુગમાં ગાંધીમૂલ્યોના વહનનું સાધન બનેલી કવિતાને સાદ્યરૂપે પ્રયોજી. આ કવિઓ પર ગાંધીજી કરતાં રવીન્દ્રનાથ ટાગોરનો પ્રભાવ વધુ છે. કવિતા આ કવિઓ માટે નિજાનંદ છે. એટલે એ કહે છે :
“હું તો બસ ફરવા આવ્યો છું !
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું ?”
[છંદોલય, નિરંજન ભગત, પૃ.૨૭૦]
*
“નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુ-મલિન વેશે...
નિરુદ્દેશે”
[ધ્વનિ, રાજેન્દ્ર શાહ, પૃ.૧]
*
“કેવળ ફરવાને નીકળ્યો છું જાણે સંધ્યાકાળે
એકે કામ નથી કરવાનું મારે આ જનમારે”
[પ્રસૂન, ઉશનસ્, પૃ.૧૧૧]
*
“આવ્યો છું તો લાવ જરા અહીં મળતો જાઉં
આ મેળે જન લાખ, ભલા કૈં ભળતો જાઉં.”
[વગડાનો શ્વાસ, જયન્ત પાઠક, સંપા.સુરેશ દલાલ, પૃ.૨૦]
    ઉશનસે ઉચિત રીતે જ આ કવિતાને ‘કામણગારી’ કવિતા કહી છે.

    ઔદ્યોગિકક્રાન્તિ, શહેરીકરણ, વૈજ્ઞાનિક શોધખોળોને પરિણામે માનવીય સંબંધોમાં પડેલી તિરાડો અને સિમેન્ટ-કોન્ક્રીટના જંગલો વિશે યુરોપમાં તો આપણાથી એક સદી પહેલાં ફ્રેન્ચ કવિ બોદલેર ‘દૂરિતનાં પુષ્પો’ લખે છે. આપણે ત્યાં નિરંજન ભગત સૌ પ્રથમ પોતાની કવિતામાં એ વાત લઈને આવે છે, એટલે નિરંજન ભગતની કવિતા સૌન્દર્યાભિમુખ તો છે જ પણ સાથે સાથે શહેરીકરણની વંધ્યતાને પણ આલેખે છે. જયારે રાજેન્દ્ર શાહ પ્રેમ-પ્રકૃતિનાં અવનવાં રૂપોને પોતાનાં ગીતો-સોનેટ-છંદોબદ્ધ કાવ્યોમાં આલેખે છે. ઉશનસ્ આદિમ વનો અને અનેક વિષયોનું વૈવિધ્ય સોનેટમાં લાવે છે. જયન્ત પાઠકમાં છૂટી ગયેલા વતન-ઘર-વનો પ્રબળ રૂપે કાવ્યરૂપ પામ્યાં. આ જ કવિતો સાથે આપણે વેણીભાઈ પુરોહિત અને બાલમુકુન્દ દવેને પણ મૂકી શકીએ.

    ઓગણીસમી સદીના મધ્યભાગમાં ઔદ્યોગિકક્રાન્તિ અને વૈજ્ઞાનિક શોધખોળોને પરિણામે યુરોપમાં એક પ્રકારની સ્વચ્છંદતા આવી, મૂલ્યહ્યાસ થયો. નિત્સેએ કહ્યું ‘ભગવાન મારી પરવાર્યા છે’. ડાર્વિને પોતાની શોધો દ્વારા સાબિત કર્યું કે આપણે કોઈ સ્વર્ગમાંથી આવ્યા નથી. આપણે દૈવી સંતાનો નથી પણ હજારો વર્ષની ઉત્ક્રાંતિનું પરિણામ છીએ. સિગ્મંડ ફ્રોઈડે અજાગત મનના પડદાઓ પાછળના રહસ્યો છતા કર્યા. આમ સદીઓ પુરાણી વિચારણાઓ, પરંપરાઓ સાથે વિચ્છેદ થયો ને માનવજીવનમાં એક પ્રકારની અંધાધૂંધી ફેલાઈ. માણસ પણ મશીન બન્યો. આની તીવ્ર અસર સમકાલીન ઘટના-પ્રસંગો સાથે આપણે ત્યાં વીસમી સદીના મધ્યમાં થઈ.

    વીસમી સદીની શરૂઆતમાં જ માનવજાતે બે વિકરાળ વિશ્વયુદ્ધો જોયાં. આપણે ત્યાં અહિંસાએ કરીને પ્રમાણમાં ઓછી ખુવારીએ મળેલી આઝાદીમાં ભાગલા થતાં માનવજાતે કદી ન જોયેલો ભીષણ કત્લેઆમ જોયો, ગાંધીજીની હત્યા થઈ. આ બધાને કારણે એક પ્રકારની હતાશા-નિરાશા, એકલતા છિન્નભિન્નતા સંવેદનશીલ માણસોને ઘેરી વળી. એમાંથી આધુનિક કવિતાનો પીંડ રચાયો. ઉમાશંકર જોશીના ‘છિન્નભિન્ન છું’ કાવ્યમાં આ અસ્તિત્વની છિન્નતા પહેલવહેલી પ્રગટ થઈ માટે તેને આધુનિક કવિતાની નાંદી કહેવામાં આવ્યું.
“છિન્નભિન્ન છું
નિચ્છંદ કવિતામાં ધબકવા કરતા લય સમો,
માનવજાતીના જીવનપટ પર ઊપસવા મથતી કોઈ ભાત જેવો,
ઘેરઘેર પડેલ હજી નવ-હાથ-લાગ્યા ભિક્ષુકના ટુક જેમ
વિચ્છિન્ન છું.”
[સમગ્ર કવિતા, ઉમાશંકર જોશી, પૃ.૭૯૯]
    આજ વિચ્છિન્નતાનો ભાવ અને નિચ્છંદ કવિતા જાણે કે આધુનિકયુગનો યુગમંત્ર બની ગઈ. આવનાર કવિતાનો વર્તારો ઉમાશંકરના ‘સપ્તપદી’ સંગ્રહની આ તેમજ ‘શોધ’ જેવી રચનાઓમાંથી મળી જાય છે.

    શીર્ણવીશીર્ણ થતા જતા આસપાસના જગત, જાતીયવૃત્તિ, અસ્તિત્વ સાથે જોડાયેલ પીડાઓ, સાર્ત્ર, કામુ, આયનેસ્કો, બેકેટ જેવા સર્જકોના પ્રભાવને કારણે એબ્સર્ડીટીનો મહિમા આ યુગમાં થયો. સુરેશ જોષી, ગુલામમહોમ્મદ શેખ, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્ર, ચિનુ મોદી, રાવજી પટેલ જેવા આધુનિક કવિઓની કવિતામાં આપણે આ ભાવ જોઈ શકીએ છીએ.

    સુરેશ જોષીએ પોતાના કાવ્યસર્જન કરતાં કાવ્યઆસ્વાદ, કાવ્યવિવેચન, સંપાદનની પ્રવૃત્તિથી આપણી કવિતાને જુદો આયામ આપ્યો. માલાર્મે શબ્દના સંગીતિક આંદોલનો અને વાલેરીની શુદ્ધ કવિતા તરફના અભિગમનો આ યુગના કવિઓ પર સૌથી મોટો પ્રભાવ પડ્યો. ચિત્રકળાના અભિગમો પણ આ સમયની કવિતામાં આવ્યા. સંસ્કૃતવૃત્તોના વપરાશમાંથી અછાંદસ તરફનું વલણ વધ્યું. આ સંદર્ભે સુરેશ જોષી કહે છે :
    “છન્દોનીની બાબતમાં સંસ્કૃત વૃત્તોનો વપરાશ આપણે હજી છોડી શક્યા નથી તે એક સૂચક ઘટના છે... કૃત્રિમ કાવ્યાભાસી ઇબારત ઊભી કરવામાં સંસ્કૃત વૃત્તોની જવાબદારી ઓછી નથી. શબ્દોના કલેશકર વિષ્લેષ, લઘુગુરુમાં લેવાતી છૂટ, સંસ્કૃત શબ્દોનું ભરણું આ બધાનો પણ વિચાર કરવાનો રહે. આ વૃત્તોને કારણે પ્રવેશતું તત્વ કંઈક યાંત્રિકતા સ્વરૂપનું છે.” [કાવ્યચર્ચા, પૃ.૬]

    ગીત-ગઝલ-સોનેટ તેમજ અન્ય સ્વરૂપો આ સમયના કવિઓને અભિવ્યક્તિના ઊંડાણને તાગવા અસમર્થ લાગવાથી એ અછાંદસ તરફ વળ્યા. હજારો વર્ષોની છંદ પરંપરા સાથે અચાનક વિદ્રોહ કર્યો એ આ સમયની મોટી ઉપલબ્ધિ છે. ભાષાને આ કવિઓએ સાધન તરીકે નહીં પણ સાધ્ય તરીકે પ્રયોજી. રોલાં બાર્થ, મિખાઈલ બાખ્તિન જેવા ચિંતકોએ ભાષાના કાવ્યને વધારે ઊંડાણથી તપાસ્યું. ભાષા આપણી લાગણીઓ, વિચારો, કલ્પનાઓને યથાતથ રીતે વ્યક્ત કરતી નથી. કમનસીબે અભિવ્યક્તિનું જે મહત્વનું સાધન માનવ જોડે છે તે અપૂર્ણ છે. આ સંવેદન આધુનિક સમયના મોટા ભાગના કવિઓની કવિતામાં મળે છે.
“નામોની કાઢું નનામી
ક્રિયાપદોના પગ ભંગુ
શબ્દોની પૂંછડીએ ચોટેલી
સૃષ્ટિને ઝાટકી નાખું.
છતાંય જો ન છોડે
હઠીલા રોગ જેવા શબ્દો
તો કવિતાની કલ્પના કર્યાના બધા દોષ
હગી નાખું રોજ સવારે.
*
....... શબ્દો છૂટતા નથી,
અળગા કરું તેમ વધારે વળગે.
મને વળગે, એકબીજાને વળગે,
મારી નજર સામે થાય નાગા,
એકબીજાને સંભોગે.
નકટા જણ્યા કરે ભૂંડણની જેમ,
અને આરોગે એકબીજાને.”
[અથવા, ગુલામ મહોમ્મદ શેખ, પૃ.૮૩,૮૩]
*
“ભાષાની ભીતર ?
ભાષાને ભીતર જેવું શું ?
ભાષા તો શબ્દો
અક્ષરનો મેળ
સેળભેળ જે સૃષ્ટિની સ્ફૂર્તિ
એનો અવાજ અંશ
એ અંશ ઉપજાવ્યા અક્ષર
અક્ષરના કંઈ મેળ વિવિધ ને
એમ બની ગઈ ભાષા.”
[મારા નામને દરવાજે, લાભશંકર ઠાકર, પૃ.૬૮]
    શબ્દની શોધથી આ સમયની કવિતાએ અનેક નૂતન પ્રસ્થાનો કર્યા. લાભશંકર ઠાકર ‘વહી જતી પાછળ રમ્યઘોષા’માં સંસ્કૃત પદાવલિ યોજે છે પણ પાછળથી એ તેમાંથી નીકળી અરૂઢ પદાવલિ તરફ જાય છે તેમ તેમની કવિતા પ્રલાપોવાળી, પ્રત્યાયનના પ્રશ્નો ઊભી કરતી થાય છે. તો આજ સમયના મહત્વના કવિ સિતાંશુ યશશ્ચંદ્રના ‘ઓડિસ્યુસનું હલેસું’માં સરરિયલ કાવ્યો વિશેષ છે. આ કવિતા પણ આધુનિકયુગમાં પોંખાઈ. આજે એમાંની ઘણી રચનાઓ પ્રલાપોથી વિશેષ કશું નિપજાવતી નથી, પણ એમનાં બીજા સંગ્રહ ‘જટાયુ’માં ભાષા અને અભિવ્યક્તિની નવીન રીતિઓ દ્વારા આધુનિક સંવેદનને વધારે ધારદાર બનાવે છે. છેલ્લા સંગ્રહ ‘વખાર’માં કમિટેડ પોએટ્રી દ્વારા નોખી મુદ્રા પ્રગટાવે છે. આમ આધુનિકયુગના કવિઓમાં માત્ર સિતાંશુની કવિતા આજ સુધી સતત બદલાતા સમયસંદર્ભ પ્રમાણે બદલાતી રહી છે. ચિનુ મોદી ગઝલમાં વિશેષ નવીનતા દાખવતા રહ્યા. એ સિવાય ‘વિ-નાયક’ કે ‘કાલાખ્યાન’ માં પરંપરાના અનુસંધાનથી પ્રયોગશીલતા દાખવતા રહ્યાં. રાધેશ્યામ શર્મામાં આધુનિકતાનું સાતત્ય ન રહ્યું. આ બધામાં રાવજી પટેલની કવિતામાં આધુનિક સંવેદન, સરરિયલ અનુભવો, ભાષાની તિર્યકતા કાવ્યરૂપ રૂપે યોગ્ય સંયોજન પામી પ્રગટ્યાં. રાવજીની કવિતા વિશે સતીશ વ્યાસ યોગ્ય કહે છે :
   
    “આપણો જાનપદી અસબાબ, ત્યાંના ખેતરાઉ સંદર્ભો, ત્યાંથી મુક્ત પ્રફુલ્લતા સમી પ્રકૃતિનો નિબિડ સંસ્પર્શ લઈને આવેલા આ (શરીરરુગ્ણ) કવિની વાણી આમરણ નિરામય રહી છે. અનાયાસ એણે વાણીનાં નવાં તાજાં સીમાંકનો કર્યા છે. અનુભૂતિના તીવ્ર બળે એની ભાષાને પણ બળૂકી બનાવી છે. વિવેચનીય ઘાટઘૂટની તમા રાખ્યા વિના એણે, આધુનિક વિવેચનાએ સંઘરી રાખવું પડે એવું ભાષા-કર્મ સિદ્ધ કર્યું છે.” [આધુનિક કવિતામાં ભાષાકર્મ, પૃ.૧૧૪]

    ને એટલે જ રાવજી આજે પણ એટલો જ આસ્વાદ્ય છે. આધુનિકતાની સૌથી મોટી ઉપલબ્ધિ એટલે ભાષાની બહાર નીકળવાની મથામણ... આધુનિકોએ એક સદીથીય જૂની અર્વાચીન ગુજરાતી ભાષાને ગતાનુગતિમાંથી બહાર લાવી અવનવા રૂપે અજમાવી જોઈ. અનુઆધુનિકોને એનો સીધો લાભ મળ્યો. આમ છતાં ઉપરથી ઓઢેલા હતાશા-નિરાશા જેવા ભાવો અનુભૂતિ જન્ય ન હોવાથી એક પ્રયુક્તિથી વિશેષ રહેતા નથી. અર્થવિલંબન પણ નર્થતા કે દુર્બોધતા તરફ વિશેષ ઢળે છે. એમ આધુનિક કવિતા ‘એક કુઠિત સાહસ’ બની રહે છે. સિતાંશુ કે રાવજીની જે કવિતા આજે ત્રણ દાયકા પછી વાંચવી ગમે છે કે આનંદ આપે છે એ પણ પરંપરાના વિચ્છેદની નહીં પણ પરંપરાના અનુસંધાનની કવિતા છે. ‘જટાયુ’માં ‘જોનાથન લિવિંગ્સટન સીગલ’ નો પ્રભાવ હોવા છતાં મધ્યકાલીન પરંપરાના અનુસંધાનને કારણે એ આજે પણ એટલી જ મહત્વની રચના છે. રાવજીની કવિતામાં રહેલાં લોકબાની, લોકતત્વોનો વિનિયોગ એટલી જ તીવ્રતાથી આકર્ષે છે. આજ સમયમાં લખતા રઘુવીર ચૌધરીની કવિતા પરંપરા સાથે રહીને પણ પ્રયોગશીલ વલણ ધરાવે છે. સમકાલીન સમયસંદર્ભો તો ખરા જ સાથે સાથે વૈયક્તિક સંવેદનો, ગ્રામજીવન એમની કવિતાઓમાં આલેખિત થતાં રહ્યાં છે. ઉપરોક્ત કવિઓ સિવાય આધુનિક સમયગાળામાં વાહવાહ મેળવનાર મોટાભાગની કવિતા આજે માત્ર આનંદ ખાતર કેટલી વંચાય છે એ પ્રશ્ન પૂછી શકાય. અનુગાંધીયુગ સુધીના કવિઓને સામાન્ય ભાવકથી માંડી વિદગ્ધભાવક પણ આનંદ ખાતર વાંચે છે. કવિતાની પહેલી શરતનો મમ્મટ કહે છે એમ ‘અવિલંબિત પરમ આનંદ’ જ છે. આજે એવા આંતરિક આનંદ માટે મોટાભાગની આધુનિક કવિતા પાસે કયો ભાવક જાય છે ? આનું મહત્વનું કારણ છે કે એમાં આવતાં ભાવ-સંવેદન અનુભૂતિજન્ય નહોતાં, ઓઢેલાં હતાં. આખરે તો સર્જકની ખુદવફાઇ જ એના શબ્દ કે સર્જનને તારે છે.

(ક્રમશ:.....)


0 comments


Leave comment