1 - થોડુંક કહું? / મુકેશ જોષી


     જન્મ પછીના કદાચ 23મા વર્ષે કોઈ વરસાદી સાંજે સાવ એકાંતમાં જ એણે આવીને મારી સામે અજવાળાની મુઠ્ઠી ખોલી. મને કહે, આજથી તારે આને સાચવવાનું છે. હું અહોભાવથી જોઈ જ રહ્યો. કાગળ ઉપર થોડાક શબ્દો અવતરી ચૂક્યા હતા. કોઈ અજાણ્યા લયના વેશમાં ગીત આવીને પાંખો ફફડાવી રહ્યું હતું. પછીનાં વર્ષોમાં આ કવિતાએ જીવનમાં સૂઝ અને ન જીરવાતા ઘા ઉપર રૂઝ પહોંચાડી છે. જીવનની ખરેખર નજીક પહોંચી શકાયું છે. કશુંક સતત વહી રહ્યું છે-ની પ્રતીતિ સાથે કશુંક થઈ રહ્યું છે-નો અહેસાસ ગમગીની પર ચંદનનો લેપ કરતો રહ્યો છે.

     સમયના અનંત પટ પર અસંખ્ય માનવટોળાંઓ વચ્ચે ભીષણ સંઘર્ષની પરાકાષ્ઠાએ તૂટી જવાશે-ની આગાહીઓમાંથી આબાદ આ બાજુ ચાલી આવવાની મથામણે – કવિતા સાથેનો સંપર્ક ગાઢ-પ્રગાઢ કર્યો છે.

     સ્કૂલના દિવસોમાંય કવિતાઓ ખૂબ ગમતી. શિક્ષકની સાદી સમજૂતી પણ અવનવાં સ્પંદનો જન્માવતી. થોડાંક કવિતા જેવાં હિન્દી ફિલ્મોનાં ગીતો પણ મન પર ઘણી અસર કરી જતાં, છતાં વેકેશનોમાં તો ક. મા. મુનશીને વાંચીને ખુશખુશાલ રહેતા. વેકેશનની રાહ પણ કદાચ એટલે જ જોતા, રમવા અને નવલકથાઓ વાંચવા.

     પોરબંદરના કોલેજકાળ દરમ્યાન ગઝલનો પરિચય થયો. સર્વશ્રી જગજિતસિંહ, અનુપ જલોટા, પંકજ ઉધાસ વગેરેની સંગીતબદ્ધ ગઝલો ગળામાં અને મનમાં સચવાઈ રહેવા લાગી. પરિચય ધીમે ધીમે સંબંધમાં પલટાતો ગયો. અને ગુજરાતી ગઝલો સાથે મન વણાઈ ગયું.

     પોતાનું વતન છોડીને મુંબઈમાં આવતાં આનંદ અને અફસોસ બંનેની લાગણી હતી. આજે અફસોસ નથી. માત્ર આનંદ છે. અહીંની અનેક સંસ્થાઓએ શ્રેષ્ઠ કવિતાના પુરસ્કારો આપ્યા તે કરતાંય વાચકો, ભાવકો અને પ્રશંસકોએ કવિતાને દિલોજાનથી પ્રેમ કર્યો તે જ શ્રેષ્ઠ આનંદ રહ્યો છે.

     વિશેષ, અગ્રગણ્ય અને જાણીતા સાહિત્યકારોએ પ્રેમથી પીઠ થાબડી, થોડીક કાળજી દર્શાવી અને ઉચ્ચ શિખરો સર કરવાની આશિષ આપી એ કેમ ભુલાય? – અજવાળાની એ મુઠ્ઠી તમારી સામે આ ક્ષણે ખોલી નાખું છું. કાવ્યયાત્રાની સુખદ અને સુઘડ કેડી પર શ્રી સુરેશભાઈનો સંપર્ક અને પ્રોત્સાહન એ મનમાં મૂકી રાખેલી મોંઘી મૂડી છે, જેમણે આ કાવ્યસંગ્રહને અમૂર્તમાંથી મૂર્ત બનાવી આપની સમક્ષ રજૂ કર્યો છે.

મુકેશ જોષી
B-30,101, પહેલે માળે આર.એમ
એમ. એસ (યુનીટ નં.8), આનંદનગર, સી.એસ રોડ.
દહીંસર (ઇસ્ટ) મુંબઈ-400 068
(પરિવર્તિની એકાદશી, ભાદરવા સુદ અગિયારસ)
2 સપ્ટેમ્બર, 1998

નોંધ : આ કાવ્યસંગ્રહ આમ તો સ્વરૂપ પ્રમાણે ગોઠવાયેલો છે પણ ગીત મારું ગમતું સ્વરૂપ હોવાથી પ્રથમ અને અંતિમ રચના ગીત સ્વરૂપે છે


0 comments


Leave comment