1.1 - મા. મને કક્કો શિખવાડ / મુકેશ જોષી


મા. મને કક્કો શિખવાડ
મારા તો ભાઈબંધ વાંચી બતાવે છે
     પાનખરે ઊગેલાં ઝાડ...     મા મને

મા, પેલા ઝાડની ટોચ ઉપર બેઠેલા
     પંખીને કેમ કરી વાંચવું
પીછાં ને ટહુકા જો હેઠાં પડે
     તો બેમાંથી કોને હું સાચવું
મા, તું ટહુકો કરે છે કે લાડ...     મા મને

મા, પેલા તડકાનો રંગ કેમ પીળો ને
     છાંયડાનો રંગ કેમ લીલો
ગાંધીજીને કેમ ગોળી મારી ને
     ઈશુને કેમ જડ્યો ખીલો
મા, મારે ફૂલ થવાનું કે વાડ...     મા મને

મા, અહીં દુનિયાના તીણા સવાલ
     મને કેટલીયે વાર જાય વાગી
મા, તારા ખોળામાં માથું મૂકું
     પછી આપું જવાબ, જાય ભાગી
મા, તારા સ્પર્શે તો
     તૃણ થાય પ્હાડ...           મા મને

સૂરજ ને ચાંદા ને તારા ભરેલા
     આભને કોણ સતત જાળવે?
આવડું મોટું આકાશ કદી ઈશ્વરને
     લખતાં કે વાંચતાં આવડે?
મા, તું અમને બંનેને શિખવાડ....     મા મને


0 comments


Leave comment