1.3 - અમે કાગળ નથી કે તમે અક્ષર લખો / મુકેશ જોષી


અમે કાગળ નથી કે તમે અક્ષર લખો
     ને અમે પથ્થર નથી કે ઘડો ઈશ્વર
અમે સરવર નથી કે તમે પાણી ભરો,
     આ જ માણસ થયાનું છે કળતર

અમે દરિયો નથી કે તમે છાતીને વીંધીને
     લઈ જાઓ મનગમતાં મોતી
અમે સૂરજ નથી કે કોઈ આંખમાં પરોવવા
     લઈ જાઓ ઝગમગતી જ્યોતિ
અમે ઝાડવું નથી કે ક્યાંક છાંયો થઈએ
     ને અમે ફૂલો નથી કે બને અત્તર
     આ જ માણસ થયાનું છે કળતર

અમે પીંછું નથી કે મોરપીંછ થઈ જઈએ
     કે વાંસ પણ નથી કે બને વાંસળી
અમે કોઈ કપાસિયાના તાંતણાય નહીં
     કોઈ ઓઢી ઓઢીને ફરે કામળી
અમે સાગરના છીપલાનું મોતી નથી કે
      બને મોતીના હાર તણો જડતર
     આ જ માણસ થયાનું છે કળતર


0 comments


Leave comment