1.5 - અમે થયા’તા દરિયાના પાડોશીજી / મુકેશ જોષી


અમે શ્વાસ ભરીને દરિયો પીધો, આભ ભરીને વાદળ
અમે ખોબલિયે તડકાને પીધો, પીધું ઝરમર ઝાકળ
અમે ઘેઘૂર સૂરની મહેક કાનમાં ખોસીજી,
અમે થયા’તા દરિયાના પાડોશીજી

અમે મોજાં સાથે વાત કરીને
વાતવાતમાં જાણી લીધું દરિયાને શું દુ:ખ પડે છે
અમે કાળમીંઢ પથ્થરને પણ
પંપાળીને પૂછી લીધું, આ લહેરો શાથી બાથ ભરે છે
અમે પામ્યા ઉત્તર: ચાંદ-ચાંદની દોષીજી
અમે થયા’તા દરિયાના પાડોશીજી

દરિયાનું રડવાનું પાછું છીપલાંઓની ગોદે,
છાનું છાનું ને દરિયાના જેવું
માણસ એનાં આંસુ મોતી નામ કહીને લૂંટે ને
દરિયાને લાગે બનવા જેવું
માણસ નામે ધરી અમે ખામોશીજી
અમે થયા’તા દરિયાના પાડોશીજી

અમે વ્હાલ કરી દરિયાને કીધું
જનમ ધર્યાની સાથે ભઈલા દુ:ખો વળગે
અને પછી દરિયો બોલ્યો કે
આટઆટલાં જળની વચ્ચે છાતી મારી બળતી ભડકે
તમે શીતળ ચંદનલેપ કર્યો છે જોષીજી
અમે થયા’તા દરિયાના પાડોશીજી


0 comments


Leave comment