1.10 - આપણે ઇચ્છા વિનાનાં વાદળાં / મુકેશ જોષી


આપણે ઇચ્છા વિનાનાં વાદળાં     
એક હડસેલો અને જાવું પડે જ્યાં પાધરા...આપણે...

ના દિશા વસવાટની કોઈ સ્થિતિ નક્કી નથી
જન્મ કે આ મોતની કોઈ તિથિ નક્કી નથી
— ને વરાળોના લીધેલા શ્વાસ કેવા આકરા...
          આપણે ઇચ્છા વિનાનાં વાદળાં     

ક્યાંક અટકાવે પહાડો, ઝાડ કોઈ રાનમાં
ને દઝાડી જાય પેલી વીજ પોલા કાનમાં
આંખમાં દરિયા, છતાંયે નામ ખાલી વાદળાં
          આપણે ઇચ્છા વિનાનાં વાદળાં     

સૂર્યની ચાબુક હરદમ સનસની વીંઝાય લો
આ વરસવાનું નથી, બસ આંખ છે ભીંજાય લો
એક આંધીની રમત વચ્ચે થતી જે જાતરા
          આપણે ઇચ્છા વિનાનાં વાદળાં


0 comments


Leave comment