1.13 - એક.... / મુકેશ જોષી


એક મનગમતો તૂટ્યો સંબંધ હવે હાશ!
     શમણાંના કલરવતા, કલબલતા પંખી વિણ,
          ખાલી ખાલી ને સાવ ખાલી આકાશ

     ભીતરમાં ડોકિયાંઓ કરવાનાં બંધ
          હવે દુનિયા જોવાની આંખ બહાર
     બહારથી લાગે જે આખા એ આઈનામાં
          અંદર તિરાડ આરપાર
     જીવતર જીવવાનો હવે કેવો આનંદ
          આ જીવનમાં કોઈ નથી ખાસ... એક...

     એકલતાની તો હવે આંગળી પકડી, ને
          ખાલીપા સાથે છે દોસ્તી
     સુક્કી આ આંખોની નદીઓમાં નાવ અમે
          હાંક્યે રાખી છે કોઈ મોજથી
     મૃગજળમાં રગદોળી નાખી છે ઇચ્છાઓ
          કે લાગે ના કોઈ દિવસ પ્યાસ... એક...

     ઊખડે જો ઝાડવું મૂળિયાં સમેત
          પડે ધરતીને હૈયે ચિરાડો
     માણસમાંથી એક માણસ ઊખડે ને
          તોય નામ કે નિશાન નહીં ખાડો
     કૈકેયીનાં દીધાં વરદાન મારે માથે
          કે ભોગવવો રણનો વનવાસ... એક..


0 comments


Leave comment