1 - ભોંયબદલો – પ્રકાશક નિવેદન / રઘુવીર ચૌધરી


      શ્રી ઠાકોરભાઈ મિસ્ત્રી પ્રકાશનશ્રેણીમાં લેખકની પ્રથમ કૃતિ તરીકે ‘ભોંયબદલો’ પ્રગટ કરતાં આનંદ થાય છે.

     શ્રી દલપત પઢિયાર ગુજરાત વિદ્યાપીઠના મ.દે. ગ્રામસેવા મહાવિદ્યાલયમાં ગુજરાતીના અધ્યાપક છે. એમણે શ્રી મોહનભાઈ શં. પટેલના માર્ગદર્શનમાં ગુજરાતી ગદ્ય વિશે મહાનિબંધ લખીને પીએચ.ડી.ની પદવી મેળવી છે.

    શ્રી દલપત પઢિયાર ગ્રામવિસ્તારમાંથી આવે છે. લોકસંસ્કૃતિ એમની રગમાં છે. એ એક ઉત્તમ ગાયક છે. તેમના કંઠે સ્વરચિત ગીતો સાંભળવા એ એક લહાવો છે. અન્ય કવિઓનાં ગીતોની સ્વરરચનાઓ પણ એમણે કરી છે. વ્યક્તિ તરીકે વિવેકી, સ્વમાની અને વિશ્વાસપાત્ર છે.

     એમની કવિતામાં નગરજીવનની વાસ્તવિકતાનો પ્રથમ પ્રત્યાઘાત છે, માણસની આંખો અંજાય જાય અને આગળ ડગલું ભરતાં એ ખચકાય એવી એક મુદ્રા એમનાં અછાંદસ કાવ્યોમાં છે. પગ નીચેની ધરતીએ જે હૂંફ આપી હતી તેને સ્થાને નગરની સડક દઝાડી રહી છે. આ અનુભૂતિ બોલકી ન બને એ રીતે વિવિધ રીતે વ્યક્ત થતી રહી છે. અને જાણે કે કવિતા લખવાની સભાનતા જ નથી ! અલંકારો માટે આ કવિને અહોભાવ નથી એથી મારા જેવાને એ વધુ આત્મીય લાગે.

       ગીત એ દલપતની ખાસિયત છે. છેલ્લા દાયકામાં રમેશ આદિ ગીતકારોએ રાજેન્દ્રના ગીતને લય અને ભાવની દ્રષ્ટિએ ઠીક ઠીક ખેડ્યું છે, એક આવેશ સાથે આરાધ્યું છે. અહીં દલપત જુદા પડે છે. જાણે કે ગુજરાતી ગીતની પરંપરાથી પ્રભાવિત થવાપણું એમને છે જ નહીં. એમનું વતન એ જાણે એક નોખો ગીતપ્રદેશ છે અને ગળથૂથી વેળાથી જ જાણે એ એની સાથે બંધાયેલા છે. બાની અને લય દલપતનાં પોતીકાં છે. એટલે કે લોકસંસ્કૃતિનો વારસો એણે આગવી રીતે અપનાવ્યો છે. વધુમાં સંગીતનું જ્ઞાન છે, ગાયકનો કસબ છે, તેથી પા માત્રાય આઘીપાછી થવાનો સવાલ નથી. લોકસંસ્કૃતિના એક અપ્રગટ છતાં અક્ષુણ્ણ તંતુરૂપે ટકી રહેલ હાસ્યવિનોદની છાંટ ક્યાંક ક્યાંક અહીં દેખા દે છે. તેથી પણ એનું વ્યક્તિત્વ સુરેખ જુદું પડે છે. અત્યારે તો કવિ દલપત પર ગીતકાર દલપતની આણ ચાલે છે. આપણે ઇચ્છીએ કે બેઉ એમના હાથે સ્પર્ધાત્મક રીતે ખેડાય. 

- રઘુવીર ચૌધરી 
- ૧૮–૩–’૮૨    


0 comments


Leave comment