2 - મારો ભોંયબદલો / દલપત પઢિયાર


હું

આ નગરમાં ભૂલો પડેલો જણ છું.
કાચની બારીમાંથી
રોજ સાંજે વીખરાઈ પડતું ધણ છું.
આ અગાસીઓને દસ દસ વર્ષથી
ધોતો આવ્યો છું.
વેલકૂંડાં ગોઠવી ગોઠવીને મેં
આંખો લીલી રાખી છે.
મને શું ખબર કે
હું અહીં સુગરીના માળામાં
સાઈઠ વૉલ્ટનો બલ્બ મૂકીશ ને ત્યાં
બધાં જનાવરોની પાંખો ફાટી જશે ?
સડકો અહીં આખી રાત જાગે છે.
અમારે નાવું નગરમાં
ને નાચવું નવેરામાં
તે તો કેમ બનવાનું છે ?
નહીં નહીં !
મારા સામું જોઈશ નહીં
હું હવે અનાવૃત્ત થઈ શકું તેમ નથી.
ઈન્જેક્શન લઈ લઈને
મેં તારું પાણી બદલી નાખ્યું છે.
વગડાનાં વૃક્ષો
ખાતરી ન થતી હોય તો
આ કાંડું હાથમાં ઝાલી તપાસી લો
મારી નાડીઓમાં ટેબલનો ઉછેર
હવે તળિયું બાંધી રહ્યો છું.
હું કાલે ઊઠીને
ટાઈલ્સ જેવું ઓળખાવા લાગું તો
તમે જોજો આઘાંપાછાં થઈ જતાં !
તમારી પરકમ્મા કરતાં કેટલાંક પગલાં
હું ત્યાં જ ભૂલી આવ્યો છું.
મારો આ ભોંયબદલો
નહીં સાંખી લે એ !
આણ મૂકીને આંતરી લેજો બધું.
અહીં મારા પગ ધૂળ વિનાના,
ચોખ્ખા રહે છે.
એને સ્વચ્છ, સુઘડ એવાં વિશેષણ આર્પું
તોપણ ચાલે !
અંગૂઠે આંખ માંડું
ને આખું ભાઠું પી શકું
એવું એકે અનુસંધાન મળતું નથી મને.
મારી આંખમાં ઉડાઉડ કરતા,
થોરિયાનાં પાનમાં તરતા,
દૂધે ધોયેલા મોર
ક્યાં ગયા, હેં ?
- ક્યાં ગયા ?


0 comments


Leave comment