4 - મારે ગામ જતો હતો / દલપત પઢિયાર


વર્ષો પછી હું
મારે ગામ જતો હતો.
એક પછી એક
ઊતરતી જતી કાંચળીઓમાં
ઊકલતું હતું પુરાઈ ગયેલી વાવનું
પરકમ્મા નગર !
પગલાંને પાણીનો સ્પર્શ થયો
ત્યારે હું પથ્થર પર ઊભો હતો.
નદી મારી આરપાર રસ્તો કરી ગઈ,
એકસામટા કેટલાંય
સોનૈયા-રૂપૈયા ઊછળી પડ્યા,
એકે હાથ ન લાગ્યો ત્યારે
પડખેના ઘાટને પડઘો ફૂટ્યો :
ડૂબકી દીધા વગર
ક્યાંથી જડે કોઈ દેશ ?- અ’દાવાદ !

કાંસ વટીને
આગળ વધ્યો ત્યાં
ભાઠાની સીમ તો કંઈ લૂમેઝૂમે !
ઉનાળુ જુવારનો મને છાંયો અડ્યો.
મારી દૂધલ દાઢમાં તસતસતો સાંઠો તૂટે
તે પે’લાં તો
ટોચેથી પડતું મેલતીકને
હડીએ હડીએ આવતી આંબલી-પીપળી
દાવ આપી ગઈ !
ડાળીએ ડાળીએ સચવાયેલી
મારી છલાંગો મને પાછી મળી
પણ રોડ પરનાં રિધમિક પગલાં
કાતરા ન ઉતારી શક્યાં !

દૂરથી
બળિયા બાપજીની ધજા દેખાઈ,
દેરીએ આવ્યો ત્યારે
બધી બાધાઓ છૂટી પડી !
ત્રણ વખત પગે લાગીને
કોપરાની શેષ માગું ન માગું ત્યાં
તોરણનાં નાળિયેર તૂટી પડ્યાં
કોઈનાંય સામૈયાં થયાં નહીં,
પાછાં ફર્યા નહીં,
ઢોર સાચવવા સોંપી ગયેલી સૈયરોએ
પોતપોતાનાં ઘર બાંધી લીધાં હતાં.
રહી હતી
ચોતરે ચીતરેલી એક માત્ર ‘ભસાકડી’,
બધાં
કુકીઓની જેમ વેરાઈ ગયાં હતાં !

આઘેની લીલીછમ ટેકરી
મારામાં ક્યાંક ઊપસી ગઈ !
વારાફરતી વારો ગણતાં લપસણિયાં
કુલેથી ફાટી ગયેલી ચડ્ડી ખંખેરતાંકને
પાછાં ઊભાં થઈ ગયાં –
ચાલ એકી સપાટે ઉપર જૈએ,
વિસામો લૈએ;
પણ, આજે
એકી કરીને આંબો ઉછેરવા જેટલો
હું નિખાલસ ક્યાં રહ્યો હતો ?
ઉપર જતી કેડી વારે વારે પાછું ફરી
મને તેડતી હતી.
સડક પરનો ડામચિયો દંભ
જરાય ખસી શક્યો નહીં !
ખેતરોમાં પાણી ફરતેલાં જોઈને થયું
થાળામાં ઠલવાતા કોસની જેમ
ખાલી થઈ શકાતું હોત તો ?
હું પૂછું છું
આ લે’રાતી વાડીઓને ધરતીના
ક્યા તળ સાથે સંબંધ હશે ?
ત્યાં તરત પાયેલા ખેતરની તમાકુ
ઊંચા કાન કરી ગઈ !
મને પાછો આલો મારો પાવડો
હું કોક પાળને તોડી નાખું.

ખેતર તોડી રહેવા આવેલા
બળદોના પગમાં ગતિ હતી.
છેટેથી, એકે ઊંચી ગરદન કરી
મને નવતરને જોઈ લીધો
ને પાછો વળતો આંટો લીધો
મારી આંખમાં ઊંડા ઊંડા ચાસ કાઢતાં
હળ નીકળી ગયાં !
ખેતર ખીલો થઈ ગયું !
અછોડાની આંટીઓ ઉકેલવાનું
હું ભૂલી ગયો હતો.
મને લાગે છે કે
ગમાણમાં પૂળો પડતાં જ બળદ
દિવસભરના ફેરા વાગોળી નાખતો હશે.
આ શેઢાને કહો કે
મારી આસપાસ ઊગી જાય,
બળદોને હું છૂટા મૂકી શકું.
ત્યાં તો સાંતીએથી છૂટેલા ધોરી
કશું ગણકાર્યા વગર જ રસ્તેવળ્યા...
હું મારી જ સીમમાં પારકું,
શુકરવારીના બજારનું ઢોર... ...
વર્ષો પછી હું
મારે ગામ જતો હતો.. ... ...


0 comments


Leave comment