31 - દરગાહ પર કવાલી / હરીશ મીનાશ્રુ


દરગાહ પર કવાલી
ભરપૂર છે ભૂપાલી

અંગૂરના વિચારે
ફાટી પડી પિયાલી

ટોપીને બ્હાને તીરછી
પ્હેરી છે પાયમાલી

બન્નેય હમશકલ છે
દાતા, વળી સવાલી

ફાડી ખુદાએ છપ્પર
દીધી ફરસને તાલી

બસ, આપની દુઆથી
ખંડેરમાં ખુશાલી

ખુશ્બૂના સંગદોષે
ખાનાબદોશ માલી

હરદમ છે ફાકામસ્તી
ક્યા ઈદ ક્યા દીવાલી

જમશેદ, તારો પ્યાલો
ઠેબે ચડે છે ખાલી

આબેહયાત કહેતાં
નિજમાં પ્રગટ પખાલી


0 comments


Leave comment