32 - ઊભી છે પ્રાર્થનાઓ, બેઠાડુ ઈશ્વરો છે / હરીશ મીનાશ્રુ


ઊભી છે પ્રાર્થનાઓ, બેઠાડુ ઈશ્વરો છે
આ બેની વચ્ચે કાયમ મંદિરનો મરો છે

મયદાનવે રચેલી ક્ષણમાં ડૂબી મર્યો તે
મરજીવો સાચાં મૃગજળ કરતાંય છીછરો છે

પોથીનાં શુભ્ર પર્ણો તો નિષ્કલંક છે પણ
શાહીમાં જૈ બૂડેલો પડછાયો માંજરો છે

દમયંતિ, મત્સ્ય જીવતાં કરવાં તો સાવ સ્હેલાં
સરિતા બની જવાને આ હાથ બ્હાવરો છે

આંસુ બે આંખડીને ને ઓસ પાંખડીને
કોને પૂછું કે શાથી આ વહેરો આંતરો છે

પોતે રિબાતી રહીને તરસ્યાંને તરસ આપે
મારી ગઝલને કેવળ મરૂથળનો મ્હાવરો છે


0 comments


Leave comment