34 - પળના પરપોટાને પરણી / હરીશ મીનાશ્રુ


પળના પરપોટાને પરણી
શાહી બની ગૈ સંશયવરણી

ગળથૂથીનું ટીપું વિફરી
બની ગયું છેવટ વૈતરણી

શબ્દકોશની શી આમન્યા
તરણું -જરી ડૂબ્યા તો તરણી

કાળ ઉપાડી કમળતંતને
કરે કાળજા પર કોતરણી

બીજ વિષે વટવૃક્ષ જડે ના
વસ્તુ સૂંઘે વૈયાકરણી

નક્ષત્રોના ઠાઠ ભૂલાવે
આ રજકણની રહેણીકરણી

સૂફી કહે છે : સાફસૂફી કર
સતિયો જણ માગે સાવરણી

કેવળ તું છે ધરી અવિચળ
ચકળવકળ ઘૂમે છો ધરણી

અગાધ એક અગાશી ઊઘડે
આકાશે જ્યાં અડી નિસરણી

ઈશ્વરની અભરાઈ ઉપર
શૂન્ય ભરેલ સાચની બરણી


0 comments


Leave comment