35 - પાંદનાં દીટેથી તૂટી ઝાડ ન્યારું થૈ ગયું / હરીશ મીનાશ્રુ


પાંદનાં દીટેથી તૂટી ઝાડ ન્યારું થૈ ગયું
ઝાડ તો ઝાડ જ રહ્યું, જીવવું અકારું થૈ ગયું

પંખીઓ ચણવા ગયાં, હું પણ કબર કે ઘર ચણું
લ્યો, ચણાના ઝાડે ચઢવું એકધારું થૈ ગયું

સંતના આદેશથી જો સંતરું હેઠે પડ્યું
તો ગુરૂત્વાકર્ષણે પુરવાર તારું થૈ ગયું

પાછે પગલે જીંડવામાં રૂગ્ણ પહેરણ જૈ ચડ્યું
જોતજોતામાં તો એને સાવ સારું થૈ ગયું

પારકા ભાણે હતાં તે વ્યંજનોની વાસથી
જીભ પર કળજુગ બેઠો, મ્હોં ય ખારૂં થૈ ગયું

આ નગરમાં ચામડાં તતડે તો પોલા જીવનું
નાન્યતર જાતિમાં તરફડતું નગારું થૈ ગયું

જે ક્ષણે ટોળામાં અંતર્ધાન થૈ ઊભાં તમે
આ તમસ પૂરેપૂરું કેવળ તમારું થૈ ગયું

મન ગઝલ ને કર્મથી હું છું સમર્પિત શબ્દને
અંતરીક્ષે આ રીતે બાવનની બ્હારું થૈ ગયું


0 comments


Leave comment