36 - પૂછાય પાંચમાં એ મુફલિસોની વસ્તીમાં / હરીશ મીનાશ્રુ


પૂછાય પાંચમાં એ મુફલિસોની વસ્તીમાં
ભીંત કે છત ન મળે જેમની ગ્રહસ્થીમાં

ઉંબરે પગ મૂકો તો પોત પ્રકાશે પાદર
ડુંગરા દૂરના ઊમટે છે દેહયષ્ટિમાં

પાંપણે જૈ ચડેલાં પાણી ધર્મ નહીં છોડે
બળીને ખાખ થવાનું શબદપરસ્તીમાં

પાંસળી તોડી પલીતો કરી બેઠા પૂર્વજ
ટાઢ આદિમ કકડતી તો ય હજી અસ્થિમાં

ઢાંકણીમાં તું મૃગજળો લઈને બૂડે છે
સગીર ઈશ્વરો બૂડી મર્યા સમષ્ટિમાં

તારી ભાષાના સકંજામાં જીવે છે, સાધો
મૌન મળશે તો મુક્ત થાશે ગઝલ અસ્તિમાં


0 comments


Leave comment