38 - કોઈ કહેશો મને કે આ ધમાલ શાથી છે / હરીશ મીનાશ્રુ


કોઈ કહેશો મને કે આ ધમાલ શાથી છે
તેજ તલવાર ને તરફડતી ઢાલ શાથી છે

અઢી અક્ષરની રમત સમજીને હું બેઠો’તો
અઢી પગલાંની સાવ ટેઢી ચાલ શાથી છે

પડી ગયું છે મ્હોં ખુદાનું, દેખ દર્પણમાં
છતાં મસ્જિદની ભીંતો ખુશખુશાલ શાથી છે

કોણે ટુચકો કર્યો છે કોણે મૂઠ મારી છે
આ દ્વાર, દ્વાર મટીને દીવાલ શાથી છે

હુતાશનીની ભસ્મ ચોતરફ ઊડે છે હજી
બધાના ચિત્તમાં ચપટી ગુલાલ શાથી છે

હું કરગરું છું, મને પણ ઇલમ બતાડી દે
તારા વાડામાં ટગર ને તમાલ શાથી છે

સહુની આંખ સાવ કોરી છે એ સાચું પણ
સહુના હાથમાં ભીનો રૂમાલ શાથી છે

સવાલી છો તો અદબ જાળવીને ચૂપ બેસો
સવાલ પર સવાલ પર સવાલ શાથી છે

ફેંકતા ફેંકી દીધો જેને તમે પંખી પર
એના મનમાં હજી ઊડવાનો ખ્યાલ શાથી છે

અમે તો હાથ ઉઠાવીશું એ જ પૂરતું છે
સહુના કરમાં સળગતી મશાલ શાથી છે


0 comments


Leave comment