40 - જનમ ઝાંપે ફરી જાસા / હરીશ મીનાશ્રુ


જનમ ઝાંપે ફરી જાસા
અથાતો બ્રહ્મજિજ્ઞાસા

કમળ તો ભાગ્યમાં ક્યાં છે
નગરમાં રાતભર વાસા

અડું નક્કર અવાજોને
તો લાગે ભૂતનાં વાંસા

વચનસિદ્ધિને શું કરવી
અહીં તો જીભના સાંસા

ઠરે તો એ સઘન વસ્તુ
મૂળે જે બાષ્પમય આશા

ઊડે તણખા બની ઝગમગ
સભામાં લાખના પાસા

ક્ષણોની ચર્વણા ચાલુ
છતાં યે નિત્ય ઉપવાસા

હું ઈશ્વરના બિછાના પર
સતત ઘસતો રહું પાસાં

મૂકું મસ્તક ચરણમાં તો
ઉછાળે પાઘડી ભાષા

સ્વયંને શબ્દમાં વાવું
ઊગું તો શૂન્ય અવકાશા

ખુલાસો ઠેઠ મક્તામાં
ધર્યું છે નામ, - તો નાશા


0 comments


Leave comment