41 - બગાવત કર અને ખા તું બગાસું / હરીશ મીનાશ્રુ


બગાવત કર અને ખા તું બગાસું
જડે જો પળ, ગણી લેજે પતાસું

નદી ઝરણું સરોવર વાવ કૂવો
છૂમંતર થઇ જશે તો શેષ આંસુ

આ દરવાજો ય છે દરવેશ જેવો
બધું સરખું જ છે : ખોલું કે વાસું

સરળ સીધી ઉઘાડી એક છત્રી
છતાં વરસાદનું મન સાવ ત્રાંસુ

ઉપાડી ગાંસડી રે વેઠની મેં,
કહો તે, શેઠ, એમાં આજ ઠાંસું

નથી જોનાર કોઈ વિશ્વરૂપમ્‌
જુગોથી હું વૃથા મોઢું વકાસું


0 comments


Leave comment