42 - સરલ ને સોંસરી ક્ષણ ભરબજારે ભૂલ પકડે છે / હરીશ મીનાશ્રુ


સરલ ને સોંસરી ક્ષણ ભરબજારે ભૂલ પકડે છે
મને ભાષા મહદંશે મરણ-મશગૂલ પકડે છે

પકડવું એટલે તો સાવ છોડી દૈ છૂટી જાવું
સહજના આ જ સગપણથી પવનને ફૂલ પકડે છે

પરમ સ્નેહીની કોરી આંખ તો કેવી સરળ છે, પણ
ભીંજાઈ જાય તો એ રંગ કૈં સંકુલ પકડે છે

પુરાતન મિત્ર જેવી પ્રિય લાગે છે સકળ સૃષ્ટિ
કોઈ ચપટીમાં જો બેચાર કણ તાંદુલ પકડે છે

ચરણ તો સ્થિર છે, અડસઠ તીરથ સૂસવે છે અંગૂઠે
ને પાવડીઓ પવનવેગી દિશા મંજુલ પકડે છે

અમે તો આ બિરાજ્યા બીજના વ્યાકુળ સંવિદ્‌માં
હવે ક્યાં મન અમસ્થું ફૂલ ફલ કે મૂલ પકડે છે


0 comments


Leave comment