43 - નરી આંખે છો ને દરસતાં નથી / હરીશ મીનાશ્રુ


નારી આંખે છો ને દરસતાં નથી
જે રજકણ બને છે, કણસતાં નથી

અજબ લક્ષ્યવેધી છે કચ્છપગતિ
ત્વરા પણ નથી ને અલસતા નથી

ઝરીને સરી જાય ઝાકળ સહજ
કદી રાવટી તાણી વસતાં નથી

હવે ગંધ ભીતરમાં દોરી જશે
કે કસ્તૂરીમૃગ ક્યાંય ધસતાં નથી

બન્યાં સાવ જુદી જ માટીનાં મન
પડે છે વિપદ પણ વણસતાં નથી

નિરંતર તદાકાર નિજવર્ણમાં
તે પારસમણીને પરસતા નથી


0 comments


Leave comment