44 - નર્યું કૌતુક બની બેઠાં કમળની સાવ ભીતરમાં / હરીશ મીનાશ્રુ


નર્યું કૌતુક બની બેઠાં કમળની સાવ ભીતરમાં
થીજેલાં એ સરોવર નખ વડે તું આમ ખોતર મા

પડેલી ભીંતનો ઘેરો ફકીરી રંગ જોઈને
ઊડુગણ ઊડવા લાગ્યા અમારા સાંકડા ઘરમાં

અમસ્થાં જીર્ણ આંસુથી નદીને થીંગડાં માર્યાં
ગણતરી થાય છે આંખોની તે દિનથી તવંગરમાં

તમે જો નૃત્યના લયમાં લળી, સ્હેજ જ ઉગામો તો
ખીલે છે ફૂલમાં ખુન્નસ, હતું જે કોઈ ખંજરમાં

કદી નભમાં અલલપંખીએ જેને ખોઈ નાંખ્યું’તું
એ સ્વાતિને હજી શોધે છે મરજીવો સમંદરમાં

રહી ગૈ દંગ દુનિયા જ્યાં નિરાકારે વહી ચાલ્યાં
છૂપા રૂસ્તમ અમે પીગળી જવાના ખાસ હુન્નરમાં

ગઝલ વાંચું અહીં ને એના પડછંદા પડે છે ત્યાં
અસલ ભાવક વસે જ્યાં સ્થલસમયના સાતમા થરમાં


0 comments


Leave comment